દેશમાં અણધાર્યો હવામાન પલટો

દેશમાં અણધાર્યો હવામાન પલટો
15થી વધુ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
નવી દિલ્હી, તા.7 : દેશભરમાં અચાનક હવામાન પલટો આવ્યો છે જેને કારણે તાપમાન ઘટતાં કાળઝાળ ગરમીમાં રાહત મળી છે. હવામાન વિભાગે આગામી ર4 કલાકમાં દેશના 1પથી વધુ રાજયમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધૂળની આંધી ઉઠવા સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં ગુરૂવારે વરસાદ પડયા બાદ લઘુતમ તાપમાન જે સામાન્યથી ર ડિગ્રી વધુ ર6.ર ડિગ્રી સે.હતુ તે નીચું આવતાં ગરમીમાં રાહત મળી છે. 7 અને 8 મે દરમિયાન પ.બંગાળ, કેરળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરૂણાચલ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, યુપીમાં ધૂળની આંધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ગુરૂવારે હવામાન પલટો થયા બાદ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, પ.બંગાળ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મેઘાલય, આસામ, સિક્કિમ, હિમાચલ, કેરળ, કર્ણાટક, આંધ્ર અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો. જયપુર હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ 6 મે થી રાજ્ય ઉપર સક્રિય છે. જેને કારણે રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer