ભારતમાં કોરોનાથી તબાહી દુનિયા માટે ખતરો!

ભારતમાં કોરોનાથી તબાહી દુનિયા માટે ખતરો!
વિશ્વને મદદ માટે આગળ આવવા યુનિસેફનું આહ્વાન, તુરંત એકશન અને મજબૂત નેતૃત્વ પર ભાર
સ્વાસ્થ્ય કર્મીઓ થાકી ગયા છે અને માળખુ ધ્વસ્ત થવાને આરે : ધીમું રસીકરણ ચિંતાજનક
નવી દિલ્હી, તા.7 : ભારતમાં કોરોના મહામારીની ગંભીર બનેલી સ્થિતિથી આખી દુનિયા ચિંતિત છે. યૂનાઈટેડ નેશનલ ચિલ્ડ્રેંસ ફંડ (યૂનિસેફ)ના પ્રમુખે ચેતવણી આપી છે કે ભારતમાં કોરોનાથી તબાહી આખી દુનિયા માટે ખતરાની ઘંટડી છે. કોરોનાથી થઈ રહેલા મૃત્યુની અસર આ ક્ષેત્ર અને સમગ્ર દુનિયામાં વર્તાશે.
યુનિસેફ અનુસાર જ્યાં સુધી દુનિયા ભારતની મદદ માટે સામે નહીં આવે ત્યાં સુધી વાયરસના મ્યુટેન્ટસ પેદા થતાં રહેશે અને સપ્લાય ચેન અસરગ્રસ્ત થશે. યૂનિસેફે ભારતને જીવનરક્ષક દવાઓ મોકલી છે જેમાં ર0 લાખ ફેસશીલ્ડ અને ર લાખ સર્જિકલ માસ્ક સામેલ છે. યૂનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરીટા એચ.ફોરે સમગ્ર દુનિયાને ભારતની મદદ માટે આગળ આવવા આહ્વાન આપી કહ્યું કે ભારતમાં કોરોનાની ત્રાસદી આપણાં સૌ માટે ખતરારૂપ છે. જો ભારતની મદદ કરવામાં નહીં આવે તો આખી દુનિયા માટે ખતરો ઉભો થશે.
દક્ષિણ એશિયાના યૂનિસેફના નિર્દેશક જયોર્જ લારિયા-અદજેઈએ કહ્યું કે કોરોનાથી થઈ રહેલી તબાહી રોકવા તુરંત એકશન લેવાની અને મજબૂત નેતૃત્વની જરૂર છે. સરકારોએ તબાહી રોકવા પૂરી તાકાતથી બધું કરવું જોઈએ. મદદ મોકલનારાઓએ પણ તુરંત આવું કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે મોડુ કર્યા વિના મદદ માટે આગળ આવવું જોઈએ. ભારતમાં કોરોનાને રોકવામાં નહીં આવે તો કોરોના સામે અત્યાર સુધીમાં મેળવેલી સફળતા વ્યર્થ બની રહેશે. યુનિસેફ અનુસાર ભારતમાં દિવસ-રાત કામ કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ હવે થાકી ગયા છે. સ્વાસ્થ્ય માળખુ પડી ભાંગવાને આરે છે જેથી વધુ જિંદગીઓ તબાહ થવાની આશંકા વધી રહી છે. દક્ષિણ એશિયામાં ધીમા રસીકરણ અંગે યુનિસેફે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે પ્રત્યેક 10માંથી માત્ર એકનું જ રસીકરણ થઈ રહ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer