રાજકોટની એકાદ કરોડની લૂંટમાં ચાર ખૂંખાર રાજસ્થાની ઝડપાયાં

રાજકોટની એકાદ કરોડની લૂંટમાં ચાર ખૂંખાર રાજસ્થાની ઝડપાયાં
‘ઓપરેશન રોબરી’ હેઠળ હરિયાણાના રેવાડી ગામ પાસેથી ચારેય લુટારુને પકડી પડાયાં
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 7: અહીંના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી અંદાજે રૂ. એકાદ કરોડના દાગીનાની લૂંટનો ભેદ અગિયાર દિવસના અંતે ઉકેલાયો છે. હરિયાણાના રેવાડી ગામે રાજસ્થાનના ખૂંખાર શખસોને પોલીસે ઝડપી લીધા હતાં. આ શખસો પાસેથી રૂ. 62 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જો કે, લૂંટમાં વપરાયેલ પિસ્તોલ જેવું હથિયાર કબજે થયું નથી.
અગિયાર દિવસ પહેલા તા. 26મીએ ધોળા દિવસે ચંપકનગરમાં આવેલી શિવ જ્વેલર્સ નામની સોના, ચાંદીના દાગીનાના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ત્રણ લુટારુઓ ત્રાટકયા હતાં. શો રૂમના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડિયાને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને રૂ. 85 લાખથી વધુ કિંમતના દાગીનાની લૂંટ કરીને નાસી ગયા હતાં.
આ લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરાયો હતો. લુટારુઓની મોડેસ ઓપરેન્ડી વગેરેનો  અભ્યાસ કરાયો હતો. આરોપીઓના વર્ણન, તેની બોલવાની છટા સહિતની વિગતો એકત્ર કર્યા બાદ લૂંટમાં પરપ્રાંતિય શખસો સંડોવાયેલા હોવાનું સપાટી પર આવ્યું હતું.
લૂંટનો ભેદ ઉકેલાયાની વિગતો આપતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, લુટારુઓ પરપ્રાંતિય હોવાની વિગતો મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચના એસીપી  ડી.વી. બસિયા, પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ એમ.બી. ઐસુરા, પી.એમ. ધાખડા, પી.બી. જેબલિયા, એસ.વી. સાખરા, એમ.વી. રબારી, યુ.બી.જોગરાણા, વી.જે.જાડેજા, પી.બી.તરાજીયા, બી.બી. કોડિયાતર અને તેમના મદદનીશોને હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતાં. આ તમામને એકબીજાના સંપર્કમાં રહેવા અને માત્ર હિન્દી ભાષાનો જ ઉપયોગ કરવાની સૂચના આપી હતી. બાદમાં સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં  રહીને અગાઉ આ પ્રકારે લૂંટ કરનાર શખસોની વિગતો મેળવવા જણાવાયું હતું.સતત આઠ દિવસ સુધીની જહેમતના અંતે રાજસ્થાનના ભરતપુર, ધોલપુર પંથકના ચાર શખસે લૂંટ કર્યાની અને મધ્યપ્રદેશના શખસે પિસ્તોલ જેવું હથિયાર પૂરુ પાડયાની માહિતી મળી હતી. આ હકીકતના આધારે અન્ય રાજ્યમાં તપાસ કરી રહેલી ટીમને રાજસ્થાન અને હરિયાણા પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. લૂંટમાં સંડોવાયેલા શુભમ સોવરસિંગ કુંતલ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસિંગ સીકરવાર, સુરેન્દ્ર હમીરસિંગ ભરતાઇ, બ્રિકેશ કુમ્હેસિંગ પરમારને ઝડપી લેવા માટે આયોજન કરાયું હતું અને  હરિયાણાના રેવાડી ખાતેથી અવિનાશ ઉર્ફે ફૌજી અને શુભમને ઝડપી લેવાયા હતાં. આ બન્નેએ ભાગી છૂટવા પોલીસ સાથે ઝપાઝપી કરી હતી પણ પોલીસ પૂર્વ તૈયારી સાથે  હોવાથી બન્નેને પકડી લેવાયા હતાં. બાદમાં  બ્રિકેશ ઠાકુર અને સુરેન્દ્ર રેવાડી ખાતે એકસપ્રેસ હાઇ-વે પર હોવાની મળેલી બાતમીના આધારે એ બન્નેને પણ પકડી લેવાયા હતાં.
પોલીસની પૂછપરછમાં આ ચારેયે એવી કબૂલાત આપી હતી કે, એક વર્ષ પહેલા શુભમને ક્રિષ્ના હથૈની નામની વ્યક્તિ સાથે માથાકૂટ થઇ હતી. તેમાં બન્ને પક્ષે સામસામે ફાયરિંગ કર્યા હતાં. જેમાં શુભમના મિત્ર નકુલનું ખૂન થયું હતું. જેલમાં ગયેલા શુભમની મુલાકાત દુષ્કર્મના ગુનામાં જેલમાં રહેલા અવિનાશ અને સતિષ સાથે થઇ હતી. જેલમાથીં છૂટયા બાદ ભરતપુરમાં રહી શકે તેમ ન હતાં. આથી અન્ય સ્થળે આશરો લીધો હતો. ફેબ્રુઆરી માસમાં શુભમ, અવિનાશ અને સોનુ બાઇક પર ધોલપુરથી રાજખેરા ગામે જતા હતાં ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું. જેમાં સોનુનું મૃત્યુ નિપજ્યું હતું. એ બન્નેને ઇજા થઇ હતી.બન્નેને આરામ કરવાની જરૂર હતી. આથી શુભમે ધોલપુરના તેના મિત્ર રામહરીનો સંપર્ક સાધ્યો હતો તેના મારફતે હાલ મુંબઇમાં રહેતાં બ્રિકેશ પરમાર હસ્તકના રાજકોટ ખાતેના રૂમમાં રહેવા આવ્યા હતાં અને પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટની યોજના બનાવી હતી. લૂંટ કરીને બાઇક પર મોરબી તરફ રવાના થયા હતાં. વીરપર પાસે બાઇક રેઢુ મૂકીને રિક્ષામાં  મોરબી ગયા હતાં. ત્યાંથી ઇકો કારમાં માળિયા અને ત્યાંથી બસમાં ઉદયપુર, જયપુર અને દિલ્હી ગયા હતાં. ત્યાંથી હરિયાણા અને ભીવાડી ગયા  હતાં. ત્યાંથી બધા છૂટા પડી ગયા હતાં. આ શખસો પાસેથી  રૂ. 61.43 લાખના દાગીના, રૂ. 94 હજારની રોકડ રકમ મળી કુલ રૂ. 62.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
લુટારુ શુભમ ધોરણ-10માં અભ્યાસ કરતો ત્યારે યુવાનની હત્યા કરી’તી
રાજસ્થાન પંથકનો અને રાજકોટમાં 8પ લાખની લૂંટના ગુનામાં પકડાયેલા શુભમ સોવરનસીંગ કુતલ નામનો શખસ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો ત્યારે એક યુવાનની ગોળી મારી હત્યા કરી નાખી હતી. શુભમ વિરૂધ્ધ 1ર ગુના નોંધાયેલ છે. જેમાં ચાર ગુનામાં ફરાર હતો.
અવિનાશ ઉર્ફે ફૌજી પર 7 ગુનામાં ફરાર અને રૂ.પ હજારનું ઈનામ જાહેર થયું’તું
અવિશાન ઉર્ફે ફૌજી  ઉત્તમસીંગ બ્રહ્માસીંગ સિકરવાર નામના લુંટારુ વિરૂધ્ધ નવ ગુના નોંધાયેલ છે. જેમાંથી 7 ગુનામાં ફરાર હતો અને રાજસ્થાન પોલીસ દ્વારા રૂ.પ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્ર ર018 થી ફરાર હતો
સુરેન્દ્ર હમીરસીંગ ભરતાઈ નામનો લુંટારુ ર018માં હત્યા અને હથિયારના ગુનામાં પકડાયો હતો અને લાંબા સમયથી જેલમાં રહેલો સુરેન્દ્ર તા.ર4/ર/ર1થી રીમાન્ડ હોમમાં જેલના સળિયા તોડી ફરાર થઈ ગયો હતો.
બ્રીકેશ રાજકોટમાં નોકરી કરતો’તો
બ્રીકેશ કુમહેરસીંગ પરમાર નામનો લુંટારુ અગાઉ મુબઈમાં કામ કરતો અને રાજકોટમાં સિધ્ધેશ્વર કાર્ગોની ઓફિસમાં નોકરી કરતો હતો. બ્રીકેશનો કાકો રામહરી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર છે અને સુરતના ગુનામાં ફરાર છે. યુપી પોલીસે રામહરી પર બન્ને પગમાં ફાયરિંગ કર્યું હતું અને હાલમા જેલમાં છે.
સતીષ હથિયાર સપ્લાયર
સતીષ ઉર્ફે સોવરનસીંગ નામનો લુંટારુ વિરૂધ્ધ 1પ ગુના નોંધાયેલા છે અને સતીષ દ્વારા લુંટારુ ટોળકીને હથિયાર સપ્લાય કરવામાં આવતા હતા. હાલમાં ફરાર સતીષની શોધખોળ ચાલુ છે.
લૂંટનો કબજે થયેલ મુદ્દામાલ
રાજકોટમાં થયેલી રૂ.8પ.46 લાખની લૂંટમાં ચાર લુંટારુઓ પકડાઇ ગયા હતા અને ક્રાઈમ બ્રાંચે રૂ.61.43 લાખની કિંમતનું 1861 ગ્રામ અને 770 મીલીગ્રામ સોનુ તથા બે કિલો ચાંદી અને રૂ.94 હજારની રોકડ કબજે કરી હતી.
અકસ્માત થતા રાજકોટ સારવારમાં આવ્યા’તા
ધોલપુરના રાજખેરા ગામ પાસે  શુભમ, અવિનાશ ઉર્ફે ફૌજી અને સોનુ બાઈકમાં અકસ્માતમાં સોનુનું મૃત્યુ નિપજ્યું હતું અને ઘવાયેલ શુભમ અને અવિનાશ ઉર્ફે ફૌજી ફરાર હોય મુંબઈમાં રહેતા બ્રીકેશ પરમારના સંપર્કથી રાજકોટના ચંપકનગરમાં પીન્ટુભાઈના ખાલી મકાનમાં ભાડે રહ્યા હતા અને બન્ને શખસોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.
વીંટી ખરીદવાના બહાને પ્રથમ રેકી કરી’તી
રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતી લુંટારુ ટોળકીએ પ્રથમ શિવ જ્વેલર્સમા ચાંદીની વીંટી ખરીદવાના બહાને ગયા હતા અને શોરૂમ તથા આસપાસના વિસ્તારની સંપૂણપણે રેકી કર્યા બાદ શુભમ-અવિનાશ સહિતની ત્રિપુટી શોરૂમમાં હથિયાર સાથે ઘૂસી હતી અને વીંટી ખરીદવાનો ડોળ કર્યા બાદ હથિયાર બતાવી વેપારી મોહનભાઈને મારકૂટ કરી લૂંટ ચલાવી હતી જ્યારે બ્રીકેશ અને સતીષ બહાર ધ્યાન રાખતા હતા અને બાદમાં પાંચેય ફરાર થઈ ગયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer