દ્વારકામાં મહિલા અને બે પુત્રનો સામૂહિક આપઘાત

દ્વારકામાં મહિલા અને બે પુત્રનો સામૂહિક આપઘાત
કોરોનામાં પરિવારના મોભીનું મૃત્યુ થતાં ત્રણેયે ઝેર પી જીવન ટૂંકાવ્યાં
(ફૂલછાબ ન્યુઝ)
દ્વારકા/ખંભાળિયા, તા. 7: દ્વારકામાં કરુણ ઘટના બની હતી. પરિવારના મોભીનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદમાં મૃતકની પત્ની અને બે પુત્રે ઝેરી દવા પી લઇને સામુહિક આત્મહત્યા કરી લીધી હતી.
આ કરૂણ ઘટનામાં 57 વર્ષના સાધનાબહેન જયેશભાઇ જૈન, તેમના 35 વર્ષના પુત્ર દુર્ગેશભાઇ અને 39 વર્ષના  પુત્ર કમલેશે વિષપાન કરીને અંતિમ પગલુ ભર્યુ હતું.
દ્વારકાના ટીવી વિસ્તારમાં રૂક્ષ્મણીનગરમાં રહેતા અને છુટક ફરસાણનો વેપાર કરતાં 60 વર્ષના જૈન જયેશભાઇ જશવંતભાઇ કોરોનાથી સંક્રમિત થયા હતાં. ત્રણ દિવસ પહેલા તેમને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં દાખલ કરાયા હતાં. ત્યાં તેમનું ગઇરાતના મૃત્યુ થયું હતું.  બાદમાં પરિવારજનો દ્વારા તેમના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી. સવારે પરિવારજનો ઘેર પહેંચ્યા હતાં. સવારે નવ વાગ્યાના સુમારે દુધવાળો આવ્યો હતો. ઘર ખોલતા રૂમમાં જયેશભાઇના પત્ની સાધનાબહેન અને બે પુત્ર કમલેશભાઇ અને દુર્ગેશભાઇના મૃતદેહ નજરે પડયા હતાં. આ અંગે જાણ કરતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને  ત્રણેયના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. પીએસઆઇ ગઢવી અને તેની ટીમની પ્રાથમિક તપાસમાં આ ત્રણેયે ઝેરી દવા પી લઇને આત્મહત્યા કર્યાનું ખુલ્યું હતું. પરિવારના મોભીનું કોરોનામાં મૃત્યુ થયાના આઘાતમાં એ ત્રણેયે આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer