ભારતમાં બે નહીં 6 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ !

ભારતમાં બે નહીં 6 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ !
નવી દિલ્હી, તા. 7 : કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વૈશ્વિક મહામારીના દોરમા ઘણી વખત સરકાર ઉપર મૃત્યુઆંક છૂપાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેવામાં એક નવા અભ્યાસમાં કરવામાં આવેલો દાવો આરોપોને સાચા સાબિત કરી રહ્યા છે. હકીકતમાં અભ્યાસમાં સામે આવ્યું છે કે, ભારત, અમેરિકા સહિતના દેશોમાં મૃત્યુઆંક ઘણો વધારે છે. સરકારી આંકડા ઓછા છે. અભ્યાસમાં ભારતમાં મૃત્યુઆક 6 લાખ હોવાનો દાવો થયો છે. જ્યારે સરકારી આંકડા પ્રમાણે દેશમાં હજી સુધીમાં બે લાખથી વધારે લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે.
યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ઈન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક એન્ડ ઈવેલ્યુએશન (આઈએચએમઈ) તરફથી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા દેશોએ મૃત્યુઆંક ઘટાડીને બતાવ્યો છે. અભ્યાસ અનુસાર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થયેલા અમેરિકામા નવ લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સરકારે આ આંકડો 5.7 લાખ બતાવ્યો છે.
મહામારીના કારણે ભારતમાં કોરોના મૃતકોનો આંકડો 6.5 લાખ અભ્યાસમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે સત્તાવાર આંકડો 2.2 લાખ જ છે. આ હિસાબે ત્રણ ગણા વધારે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
એક અખબારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મેક્સિકોમાં કોરોનાથી 2.17 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.જ્યારે હકીકતમાં આ સંખ્યા 6.17 લાખ છે. મોટાભાગના દેશોમાં હોસ્પીટલમાં થતા મૃત્યુ જ સામે આવતા હોવાથી વાસ્તવીક આંકડા સામે આવી શક્યા નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer