દેશમાં નવા 4.14 લાખ કોરોનાના દર્દી

દેશમાં નવા 4.14 લાખ કોરોનાના દર્દી
મરણાંક 2.34 લાખને પાર, 36 લાખ વધુ સક્રિય કેસ
નવી દિલ્હી, તા. 7 : ઓકિસજન, બાયપેપ, વેન્ટિલેટર, હોસ્પિટલો, સ્મશાનો, દર્દીઓ, તબીબો, લોકડાઉન, કર્ફ્યૂ... બસ, આ બધું જ દિલોદિમાગમાં સતત ઘુમરાયા કરે છે, બીજું કંઇપણ વિચારવાની શક્તિ જ છીનવી લેનારા કાળમુખા કોરોનાએ દશા તો જુઓ કરી નાખી છે દેશ-દુનિયાની.
ભારતમાં શુક્રવારે સળંગ બીજા દિવસે ચાર લાખથી વધુ 4,14,188 નવા દર્દીનો ‘િવશ્વ વિક્રમી’ વધારો થયો હતો, તો વધુ 3915 સંક્રમિતો કોરોનાનો કેળિયો બની ગયા હતા. દુનિયા આખીને રંજાડનાર વાયરસના દર્દીઓના દિવસોદિવસ ઊંચા જતા ગ્રાફથી ઉચાટ વચ્ચે આશ્વાસન અને આશાનાં કિરણરૂપે આજે પણ સળંગ બીજા દિવસે સવા ત્રણ લાખથી વધુ દર્દી સાજા થઇ ગયા હતા. દેશમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 2.14 કરોડને પાર કરી, બે કરોડ 14 લાખ, 91,598 પર પહેંચી ગયો છે. તો કુલ્લ 2,34,083 સંક્રમિતોને કાળમુખો ભરખી ચૂકયો છે. ભારતના વિવિધ ભાગોમાં ઓકિસજન માટે વલખાં મારતા દર્દીઓની લાંબી લચક કતારો વચ્ચે શુક્રવારે વધુ 3,31,507 દર્દી ઘાતક વાયરસના સકંજામાંથી મુક્ત થઇ ગયા હતા. આમ, સાજા થયેલા દર્દીઓને આંક 1.76 કરોડને આંબી, 1 કરોડ 76 લાખ, 12,351 થઇ ગયો છે. દરમ્યાન સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ આજે મામુલી ઘટાડા સાથે 81.95 ટકા થયો હતો. બીજી તરફ છેલ્લા ત્રણેક મહિનાથી લગાતાર ઉછાળા સાથે સક્રિય કેસો આજે 36 લાખને પાર કરી ગયા હતા. છેલ્લા 24 કલાક દરમ્યાન 78.76 દર્દીના વધારા બાદ આજની તારીખે 36,45,164 સંક્રમિતો સારવાર હેઠળ છે. સક્રિય કેસોનું પ્રમાણ થોડાક વધારા સાથે શુક્રવારે 16.96 ટકા થઇ ગયું હતું. સારવાર હેઠળ છે, તેવા દર્દીઓ વધવાની સમાંતરે સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ રોજે રોજ વધતાં આશ્વાસન મળી રહ્યું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) તરફથી મળતી માહિતી      મુજબ, દેશમાં અત્યાર સુધી 29 કરોડ 86 લાખથી વધુ ટેસ્ટ થઇ ચૂકયા છે.
ઈઝરાયલમાં ઓમ નમ: શિવાયના જાપ : ભારત માટે સમૂહ પ્રાર્થના
નવી દિલ્હી, તા. 7 : કોરોનાથી કણસતા ભારતને મદદ માટે દુનિયાભરના દેશો દોડી આવ્યા છે, ત્યારે ઈઝરાયલ તરફથી દવાની સાથોસાથ દુવાઓ પણ થઈ રહી છે. ઈઝરાયલમાં લોકો એકઠા થઈને ઓમ નમ: શિવાયના જાપ કરી, ભારતને સંકટમાંથી ઉગારવા માટે પ્રાર્થના કરવા માંડયા છે. આ સમૂહ જાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ઈઝરાયલમાં ભારતીય રાજદ્વારી પવન કે. પાલે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ખાસ ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈઝરાયલ વચ્ચે એક અનોખું આધ્યાત્મિક જોડાણ પણ છે. ત્રણ વર્ષની સૈન્ય તાલીમ બાદ શાંતિ મેળવવા ઈઝરાયેલી નાગરિકો ભારતના પહાડોમાં રોકાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer