સરકાર સમયસર ચેતી ગઇ હોત તો આવી ખરાબ પરિસ્થિતિ ન હોત : રાજન

સરકાર સમયસર ચેતી ગઇ હોત તો આવી ખરાબ પરિસ્થિતિ ન હોત : રાજન
RBIના પૂર્વ ગવર્નરે કહ્યું, પહેલી લહેર બાદની આત્મમુગ્ધતાની આજે ભારત કિંમત ચૂકવી રહ્યું છે
નવી દિલ્હી, તા. 4 : આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાના હાહાકાર અને બેકાબૂ સ્થિતિ માટે નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના અભાવને જવાબદાર ઠરાવ્યા છે. રાજને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહેલી લહેર બાદ દેશમાં ઊભી થયેલી આત્મમુગ્ધતાની પણ ભારતે આજે કિંમત ચૂકવવી પડી છે.  ભારતમાં રોજ કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણ ડામવા માટે સરકાર પર કડક લોકડાઉન લગાવવાનું દબાણ છે, પણ સરકાર હજી સુધી તેનો ઈન્કાર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી રહી ચૂકેલા રાજને બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દુનિયામાં અન્ય સ્થળોએ,ખાસ કરીને બ્રાઝિલમાં  જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને તમારે સમજી જવું જોઈતું હતું કે, વાયરસની વાપસી થઈ રહી છે અને તે અગાઉથી પણ વધુ ખતરનાક થઈ ગયો છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે, તેનો ખતરો ઓછો થયો નથી. ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ભારતને લાગ્યું કે, વાયરસનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે. સરકાર સમયસર ચેતી ગઈ હોત તો દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત.
અત્યાર સુધીમાં ભારતને 14 દેશની મદદ મળી
17 કન્સાઈન્મેન્ટ 24 એપ્રિલથી 2જી મે વચ્ચે ભારત આવ્યા
નવીદિલ્હી,તા.4: કોરોનાની પહેલી લહેરમાં ભારત દુનિયા માટે કષ્ટભંજક બન્યું હતું અને હવે જ્યારે ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા કોરોનાની બીજી લહેરમાં કથળીને વામણી પુરવાર થઈ રહી છે ત્યારે દુનિયાનાં અન્ય દેશોએ પણ સદ્દભાવ સાથે મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં તબીબી ઉપકરણો લઈને ભારતમાં 17 જેટલા કન્સાઈન્મેન્ટ આવી પહોંચ્યા છે. આ માલ દુનિયાનાં 14 દેશોમાંથી ભારત આવ્યો છે.
સરકારે આજે જણાવ્યું હતું કે, 24 એપ્રિલથી 2 મે વચ્ચે ભારતમાં 14 દેશોમાંથી ચિકિત્સકીય ઉપકરણોનાં 17 જથ્થા આવ્યા છે. આમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર, એન્ટિવાયરલ દવા, ટેસ્ટ કિટ, પલ્સ ઓક્સિમીટર, માસ્ક અને પીપીઈ કિટ જેવા સામાનનો સમાવેશ થાય છે. ભારતને સૌપ્રથમ બ્રિટનથી 24મી એપ્રિલે મદદ મળી હતી. ત્યારબાદ સિંગાપોરે 28મી માલ મોકલ્યો હતો. રશિયાએ પણ ઘણાં ઉપકરણો અને દવાઓ મોકલ્યા છે. ત્યાં સુધી કે રોમાનિયા જેવા દેશે પણ ભારતને 7પ ઓક્સિજન સિલિન્ડર અને 80 કોન્સન્ટ્રેટર આપ્યા છે. આ ઉપરાંત અમેરિકા, યુએઈ, આયર્લેન્ડ, થાઈલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઉઝબેકિસ્તાન અને તાઈવાનમાંથી પણ મદદ આવી છે. અત્યાર સુધી સૌથી વધુ સામાન અમેરિકા અને યુએઈમાંથી આવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer