આખરે ટ્વિટર ઉપર કંગના રણૌતનો બફાટ બંધ

આખરે ટ્વિટર ઉપર કંગના રણૌતનો બફાટ બંધ
ટ્વિટરે અભિનેત્રીનું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી નાખ્યું : હવે ઈન્સ્ટામાં કંગનાની વીડિયોવાળી શરૂ
નવીદિલ્હી,તા.4: ચર્ચામાં રહેવાં માટે બેફામ બફાટ અને બકવાસ કરવાં પંકાઈ ગયેલી બોલીવૂડની અભિનેત્રી કંગના રણૌતનું ટ્વિટર એકાઉન્ટ આખરે કાયમ માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવતાં સોશિયલ મીડિયામાં ચોમેર એક પ્રકારે હરખની લહેર ફરી વળી છે.
જો કે કંગના હજી ઈન્સ્ટાગ્રામ ઉપર સક્રિય છે અને પોતાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ તેણે ઈન્સ્ટા ઉપર એક વીડિયો પોસ્ટ કરીને આંસુ સાર્યા હતાં. બંગાળની હિંસા મુદ્દે ભડકામણી ભાષામાં બોલતા તેણે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્વિટરનાં નિયમોનાં ઉલ્લંઘન બદલ તેનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેણે એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પ. બંગાળ ચૂંટણી પરિણામને લઈને ટ્વિટ કર્યા  હતાં. જેમાં તેણે મમતાની ગુંડાગીરી સામે ગુંડાગીરીથી જ જવાબ આપવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2002નું વિરાટરૂપ બતાવવા જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું.
કંગનાએ એકાઉન્ટ બંધ થતાં કહ્યું હતું કે, ટ્વિટરે હંમેશાની જેમ આ વખતે પણ સાબિત કરી દીધું કે તે જન્મથી અમેરિકન છે. તેને લાગે છે કે એક સફેદ વ્યક્તિ, ભારતમાં રહેતા લોકોને ગુલામ બનાવવાનો હકદાર છે. તે તેમને જણાવે છે કે તમારે શું બોલવું જોઈએ, શું વિચારવું જોઈએ અને શું કરવું જોઈએ? મારી પાસે અન્ય પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરીને હું મારો અવાજ ઉઠાવી શકું છું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer