સતત ત્રીજા દિવસે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો

સતત ત્રીજા દિવસે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો
નવા 3.57 લાખ કેસ છતાં કુલ આંક બે કરોડને પાર થયો ઈં સાત રાજ્યમાં દૈનિક કેસ ઘટયા, વધુ 3.61 લાખ લોકો થયા સાજા
જો કે 3449 લોકો મહામારીમાં ભરખાયા
નવી દિલ્હી, તા. 4 : છેલ્લા થોડા સપ્તાહથી દેશમાં બેકાબૂ બનેલા અને દવા, ઈન્જેક્શન તથા ઓક્સિજન ઉપરાંત હવે રસીની તંગીથી વધુ ભયાવહ દેખાઈ રહેલા કોરોના સંક્રમણની રફ્તાર ઘટી રહી હોવાના સંકેતમાં સતત ત્રીજા દિવસે દેશમાં નવા કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સંક્રમણથી હાંફી રહેલાં સાત રાજ્યમાં કોરોનાના મામલામાં ઘટાડાથી સકારાત્મક સંકેત સાંપડી રહ્યો છે જો કે આજે 3,57,229 નવા કેસોએ કુલ મામલાને બે કરોડની પાર પહોંચાડયા હતા જ્યારે વધુ 3449 લોકોનાં મૃત્યુથી મૃતકોની સંખ્યા પણ વધીને 2,22,408 થઈ હતી.  અન્ય એક સારા સંકેતમાં વીતેલા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 3,20,289 રહી હતી. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,13,292 લોકો સાજા થઈ ચૂકયા  છે અને તેની સીધી અસર રૂપે રિકવરી દર પણ વધીને 81.91 ટકા થયો છે. દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં દૈનિક કેસોમાં સ્થિતિ સુધારા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં દૈનિક મામલા ઘટી રહ્યા છે તે એક સારો સંકેત છે. જો કે સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ એક પડકાર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં 34,47,133 એક્ટિવ કેસ છે જેનાથી એક્ટિવ દર 17 ટકા થઈ ગયો છે.
28 એપ્રિલ બાદ સતત સાતમા દિવસે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નોંધાયાં છે, જ્યારે 21 એપ્રિલ બાદ સતત 14મા દિવસે મૃતકોની સંખ્યા બે હજારની ઉપર નોંધાઈ છે. અન્ય ગંભીર બાબત એ પણ છે કે માત્ર 15 દિવસમાં દેશમાં 50 લાખથી વધુ સંક્રમણના મામલા સામે આવ્યા છે.
ભારતમાં કોવિડ-19ના મામલા 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર કરી ગયા હતા. આ પછી 107 દિવસના ગાળા બાદ પાંચમી એપ્રિલે સંક્રમણના મામલા 1.25 કરોડ થયા હતા. જો કે મહામારીના મામલાને 1.5 કરોડનો ગોઝારો આંક પાર કરવામાં માત્ર 15 દિવસનો સમય લાગ્યો હતો. બીજીતરફ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા  (આઈસીએમઆર) અનુસાર ત્રીજી મે સુધીમાં દેશમાં 29,33,10,779 સેમ્પલના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાંથી 16,63,742 નમૂનાની તપાસ સોમવારે કરવામાં આવી હતી.
વીતેલા 24 કલાકમાં કોરોનાથી થયેલા 3449 મૃત્યુમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 567, દિલ્હીમાં 448, ઉત્તરપ્રદેશમાં 285 મોતનો સમાવેશ થાય છે.
યાત્રા પ્રતિબંધ: અમેરિકામાં ભારતીયોની પ્રવેશબંધી
વોશિંગ્ટન,તા.4: કોરોના સામે ઝઝૂમતા ભારતમાંથી તમામ બિનઅમેરિકી યાત્રી ઉપર અમેરિકાએ પ્રવેશબંધી ફરમાવી દીધી છે. છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતમાં રહી હોય તેવી કોઈપણ વ્યક્તિને અમેરિકાએ પ્રવેશ રોકી દીધો છે. આ પ્રતિબંધ તત્કાળ પ્રભાવથી લાગુ થઈ ગયો છે. ભારતમાંથી માત્ર અમેરિકી નાગરિકો, ગ્રીનકાર્ડધારકો અને તેમનાં જીવનસાથી અને સંતાનોને જ અમેરિકામાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.
કેટલાં લોકોનું રસીકરણ થયું?
ભારતમાં તબાહી મચાવતી કોરોના મહામારીને કાબૂમાં લેવા એકમાત્ર અમોઘ શત્ર જો કોઈ હોય તો એ રસીકરણ છે. કોરોનાની પહેલી લહેર મંદ પડવા સાથે ભારતમાંથી શરૂ કરી નાખવામાં આવેલી રસીની નિકાસ અત્યારે મોંઘી પડી રહી છે. દેશમાં રસીકરણ ઝડપી બનાવવાની તાતી જરૂરીયાત છે પણ યુદ્ધનાં ધોરણે આ કામ ઉપાડી લેવા માટે અત્યારે દેશ પાસે રસીનો પર્યાપ્ત જથ્થો નથી. આ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં એટલે કે 103 દિવસમાં ભારત કેટલે પહોંચ્યું છે તેનો ચિતાર આપતાં આંકડા...
અત્યાર સુધીમાં દેશમાં 1પ.89 કરોડ લોકોનું રસીકરણ
94 લાખ 48 હજાર 289 રસી સ્વાસ્થ્યકર્મીઓને અપાઈ
4પથી 60 આયુવર્ગમાં પ કરોડ 30 લાખ પ0 હજાર 669 લોકોનું રસીકરણ થયું
1લી મેથી શરૂ થયેલા 18થી 44 વર્ષની વયનાં લોકોનાં રસીકરણમાં 4 લાખ લોકોને રસી અપાઈ
18થી વધુ વયનાં લોકોને રસી આપવામાં 1 લાખ 8191 લોકોનાં રસીકરણ સાથે ગુજરાત આગળ
66.94 ટકા રસી માત્ર 10 રાજ્ય- મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં અપાઈ

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer