જામનગરમાં બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી

દુકાન વાપરવાના બહાને મેળવ્યા પછી ખાલી નહીં કરતા  કલેકટરનો આદેશ
જામનગર તા.4:  જામનગરમાં બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો છે.  કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ તુલસીભાઈ વાદીની એક દુકાન જામનગરમાં સર્વોદય સોસાયટી વિસ્તારમાં આવેલી છે. જેની હાલ જંત્રી મુજબ બજાર કિંમત સાત લાખ રૂપિયા ગણાય છે. ઉપરોકત દુકાન થોડા વર્ષો પહેલા રમેશભાઈના પિતા તુલસીભાઈ કે જેઓને જામનગરના રવજીભાઈ વઘાસિયાની સાથે મિત્રતા હોવાથી તેના પુત્ર લલિત સવજીભાઈ વઘાસીયાને કોઈપણ પ્રકારના ભાડા વગર વાપરવા માટે આપી હતી અને લલિતભાઈએ તેમાં ગેરેજનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારપછી લલિતભાઈના લગ્ન થઈ જતા તેણે સુરતમાં પોતાનું અંબિકા ઓટો ગેરેજ શરૂ કરી દીધું હતું અને પોતે ત્યાં રહેવા ચાલ્યો ગયો હતો. જયારે જામનગરની ગેરેજવાળી જગ્યા પોતાના નાના ભાઈ ભરત સવજીભાઈ વઘાસીયાને વાપરવા આપી હતી અને ભરત વઘાસીયા હાલમાં ગેરેજ ચલાવી રહયો છે.
તાજેતરમાં રમેશભાઈએ પોતાની દુકાનની પરત માંગણી કરતાં લલીતભાઈ અને ભરતભાઈ બંનેએ દુકાન ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને જો ખાલી કરવી હોય તો 15 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.
આ પ્રશ્ને ઘણાં સમયથી રકઝક ચાલતી હતી અને ભરત વઘાસિયાએ છેલ્લે ત્રણ લાખ રૂપિયા તાત્કાલિક નહીં આપે તો ગેરેજ ખાલી નહીં કરીએ તેવી ચિમકી આપતાં આખરે રમેશભાઈ દ્વારા સમગ્ર મામલો કલેકટર સમક્ષ લઈ જવાયો હતો.
કલેકટર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દુકાનનો ગેરકાયદેસર કબજો કરી લેવાયો હોવાનું ધ્યાનમાં આવતા  આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેનો ગુનો નોંધવા માટેનો પોલીસ તંત્રને આદેશ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer