બસ પર પથ્થરમારો કરવા અંગે નામ આપવાના મનદુ:ખના કારણે ગોંડલમાં યુવાનની હત્યા થઇ’તી બાળ આરોપીની અટકાયત: ત્રણ શખસની શોધખોળ

ગોંડલ, તા. 4: જાન્યુઆરી માસમાં રામ દ્વાર પાસે એસટી બસ પર પથ્થરમારો કરવાના બનાવમાં પોલીસને નામ આપવા અંગેના મનદુ:ખના કારણે અહીંની સૈનિક સોસાયટીમાં રહેતાં 21 વર્ષના અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનની છરીના 30 જેટલા ઘા મારીને હત્યા કરાઇ હતી. આ બનાવ અંગે મૃતકના સગીર મિત્રની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે અન્ય ત્રણ શખસને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.
આઠ દિવસ પહેલા તા. 25ના રોજ સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરીને કૂવામાં ફેંકી દેવાયેલ લાશ મળી આવી હતી. આ ખૂનની ઘટના અંગે મૃતકની રાજકોટમાં રહેતી બહેન હિનાબાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના સગીર મિત્રને અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં સગીરમિત્રે વટાણા વેરી નાખીને એવી કબુલાત આપી હતી કે, જાન્યુઆરીમાં રામ દ્વાર પાસે એસટી બસ પથ્થરમારો થયો હતો. આ બનાવમાં મૃતક અજયસિંહે તેના નામ પોલીસને આપ્યા હતાં. આ મનદુ:ખના કારણે અજયસિંહ દારૂ વેંચતો હોય તેની બાતમી પોલીસને આપી હતી. પોલીસે તેના ઘેરથી દારૂનો જથ્થો પકડયો હતો. બાદમાં અજયસિંહને સ્પા ચલાવતી તેની બહેન રાજકોટ લઇ ગઇ હતી. લોકડાઉનના કારણે અજયસિંહ પરત ગોંડલ તેની માતા પાસે આવ્યો હતો અને તા.25મીએ સૈનિક સોસાયટીની પાનની કેબીન પાછળ અજયસિંહને લઇ ગયા હતાં અને ત્યાં વિવેક અને સચીને તેને પકડી રાખ્યો હતો અને જયવીરસિંહે છરીના સંખ્યાબંધ ઘા મારીને હત્યા કરી હતી. લાશને બાવળની ઝાડીમાં રાખીને વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઇ બારડ, જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા અને સચીન રસીકભાઇ ધડુક ડેમે ગયા હતાં અને ત્યાં કપડાં ધોઇને નાહ્યા હતાં. આ વિગતના આધારે પોલીસે જયવીરસિંહ, વિવેક અને સચીનની શોધ આદરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer