કોરાનાથી ડરીને રાજકોટ સિવિલના ચોથા માળેથી કૂદીને આધેડનો આપઘાત

(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 4: કોરોનાના કારણે અનેક લોકોમાં જુદા જુદા પ્રકારની ભયની લાગણી ઘર કરી ગઇ છે. કેટલાય માનસિક રીતે ભાંગે પડયા છે. ત્યારે  કોરોનાથી ડરીને રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ચોથા માળેથી પડતુ મૂકીને કુવાડવાના સાયપર ગામના 50 વર્ષના જાગાભાઇ મોહનભાઇ ભલગામડિયાએ મૃત્યુ માંગી લીધું હતું.
સાયપર ગામે રહેતા અને ઇલેકટ્રીકનું મજૂરી કામ કરતાં જાગાભાઇ સાત દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેમને તા. 29મીએ સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ચોથા માળે દાખલ કરાયા હતાં. સાત દિવસથી કોરોનાની સારવાર લઇ રહેલા જાગાભાઇ ગમે તે કારણોસર કોરોનાથી ડરી કે કંટાળી ગયા હતાં અને  કોવિડના વોર્ડમાંથી બહાર નિકળીને લોબીમાં જઇને  ચોથા માળેથી પડતુ મૂકયું હતું. જાગાભાઇને  લોબીમાંથી છલાંગ લગાવતા જોઇને બે કર્મચારી દોડયા હતાં  પણ તેઓ તેમને બચાવી શકયા ન હતાં. મૃતકના ભાઇ સંજયભાઇના જણાવ્યા પ્રમાણે ગઇકાલે સાંજે તેણે તેના ભાઇ સાથે વીડિયો કોલથી વાત કરી હતી.આ સમયે ભાઇએ સારુ હોવાનું કહીને હાથમાં ભરાવેલી સોય પણ બતાવી હતી. ભાઇ આવું પગલું ભરી ન શકે, પણ કોવિડના સીસીટીવી  કેમેરાના ફૂટેજમાં તેના ભાઇ ચોથા માળેથી મૃત્યુની છલાંગ લગાવ્યાનું સ્પષ્ટ થયું હતું. મૃતક જાગાભાઇ ભલગામડિયાને સંતાનમાં બે પુત્રી અનેએક પુત્ર છે. એ ત્રણેયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. ભાવનગરમાં ત્રીજા માળેથી ઝંપલાવીને કોરોનાગ્રસ્ત યુવાને જીવનનો અંત આણ્યો
ભાવનગર:  અહીંની સર ટી હોસ્પિટલના ત્રીજા માળેથી પડતુ મૂકીને  અરવિંદભાઇ વાલજીભાઇ કલોતરા નામના કોરોનાગ્રસ્ત યુવાને જીવનનો અંત આણ્યો હતો. પ્રભુદાસ તળાવ  પાસેના અખાડા નજીક રહેતો આ યુવાન પાંચ દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો. તેને  સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.  બાદમાં આજે તેણે તેના બેડ પાસેની ગ્રીલ વગરની બારીમાંથી  પડતુ મૂકીને  આપઘાત વહોરી લીધો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer