‘કોર્ટ ઓર્ડર કરે પછી જ સરકાર હરકતમાં આવે છે’ ગુજરાત હાઇકોર્ટે ફરી લીધો ઉધડો

‘કોર્ટ ઓર્ડર કરે પછી જ સરકાર હરકતમાં આવે છે’ ગુજરાત હાઇકોર્ટે ફરી લીધો ઉધડો
108 સિસ્ટમ નિષ્ફળ: આંકડામાં વિસંગતતા, ટેસ્ટ લેબ વધી નથી
અમદાવાદ, તા. 4: ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ  સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો. દરમિયાનમાં આજે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની વચ્ચે સંકલનનો અભાવ, 108 એમ્બ્યુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ, આરટીપીસીઆર ટેસ્ટ વગેરે મુદ્દે રાજ્ય સરકારનો  ઉધડો લેતા જણાવ્યું હતું. હાઇકોર્ટે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તે અંગે ડિટેઈલમાં એફિડેવિટ કરો. 108 ટોટલ નિષ્ફળ છે. અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે. કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે. આ મામલે વધુ સુનાવણી 11મેના રોજ યોજાશે.
હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, એએમસી રાજ્ય સરકારની અંડરમાં આવે છે, તો તેને સરકારની પોલિસી પ્રમાણે કામ કરવું પડે. પરંતુ એએમસી પોતાની અલગ પોલિસીથી કામ કરે છે આવું કેમ? હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ને  ખખડાવી કહ્યું કે એમસી સરકારની પોલિસી મુજબ કામ નથી કરતી, શા માટે બાળકો જેવું વર્તન કરે છે, 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે.
આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા. 
ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી કમલ ત્રિવેદીએ કહ્યું કે 21 યુનિવર્સિટીઓએ હજુ સુધી આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કર્યા નથી. હાલ આવી યુનિવર્સિટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. જો યુનિવર્સિટીઓ ટેસ્ટ નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે તમારે વિનંતી નહીં આદેશ કરવાનો હોય. ટેસ્ટ કરવા માટે યુનિવર્સિટીઓને આદેશ કરો. સાથે જ કોર્ટે કહ્યું કે ટેસ્ટ મામલે સરકારના ડેટા અયોગ્ય છે. 
જે મામલે કમલ ત્રિવેદીએ જણાવ્યું કે આજની તારીખે 71 મશીન કામ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે મશીન વધ્યા છે તો ટેસ્ટમાં ઘટાડો કેમ..? જે મામલે ત્રિવેદીએ ક્હયું કે ટેસ્ટ કરાવવા આવતા દરેક લોકોના ટેસ્ટ થાય છે. હવે ટોકન સિસ્ટમ પણ હટાવી લેવાઈ છે.
આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા અૉક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેની સામે એજી કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer