માથાવડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું : સાત ઘાયલ

માથાવડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું : સાત ઘાયલ
તળાજા, તા.3 : તળાજાના માથાવડ ગામે બે જૂથ વચ્ચે દારૂ પીવા અને સામુ જોવાના મામલે સશત્ર ધિંગાણું ખેલાતા સાત યુવાનોને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પીપરાલાનો યુવાન બન્ને જૂથના યુવાનોને છોડાવવા જતા ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે બન્ને જૂથની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે માથાવડ ગામે બે જ્ઞાતિના યુવાનો વચ્ચે તિક્ષણ હથિયારોથી ધિંગાણું ખેલાયું હતું. જેમાં અનિલ ભોજા ચાવડા, વિપુલ દાના, ખીમા રાજા ચાવડા, વિશાલ રેવા બાંભણિયા, ભીમા રેવા, અશ્વિન રેવાને ઈજા પહોંચી અને પીપરાલા ગામનો વિજય બારૈયા છોડાવવા જતા તે પણ ઘાયલ થતા સાત યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. તળાજા સરકારી હોસ્પિટલ ખાતે બન્ને જૂથના ટોળા એકઠા થઈ ગયા હતા અને એકજૂથના ઈજાગ્રસ્તને ઈકો કારમાં વધુ સારવાર અર્થે ભાવનગર લઈ જવાતો હતો ત્યારે પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ત્રણ બાઈકમાં તોડફોડ કરવામાં આવી હતી. એક જૂથે ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.પોલીસે બન્ને જૂથની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer