ભાવનગરમાં રેમડેસિવિરનું ગેરકાયદેસર વેચાણ તથા સંગ્રહ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

ભાવનગર, તા.3: જિલ્લામાં હાલ કોવિડ-19ના કેસો વધારે પ્રમાણમાં આવી રહ્યાં છે તેમજ જિલ્લાની કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની સારવાર લઇ રહેલ દર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. જેથી કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. જેથી અન્ય જિલ્લાઓની જેમ રેમડેસિવિર ઇન્જેકશન બાબતે થઇ રહેલ કાળા બજારી તથા સંગ્રહખોરીને અટકાવવા માટે નિવારાત્મક પગલા લેવા અતિ આવશ્યક જણાઇ રહેલ છે.
ભાવનગર જિલ્લામાં આવેલ તમામ કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલનાં સંચાલકોને જણાવવામાં આવે છે  કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દી કે તેમના કુટુંબીજનો દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન બાબતે ખાસ તકેદારી રાખવાની રહેશે. જેમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓનું નિયત રજીસ્ટર નિભાવી અને રોજે રોજ દર્દીઓનાં સ્વાસ્થ્ય અંગેની નોંધ કરવી, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અતિ ગંભીર સ્થિતિ ધરાવતાં દર્દીઓને ડોકટરની સલાહ મુજબ રેમડેસિવિર ઇન્જેકશન આપવાની પ્રાથમિકતા આપવી, રેમડેસિવિર ઇન્જેકશન આપેલ દર્દીઓનું અલગ રજીસ્ટર નિભાવી તારીખ અને આપવામાં આવેલ ડોઝ સહિતની વિગતો નિભાવવી, હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનની જરૂરીયાતવાળા દર્દીઓને ફાળવવાને બદલે અન્ય દર્દીઓને ન ફાળવાય તેની તકેદારી રાખવી અને હોસ્પિટલમાં કાર્યરત કર્મચારી કે આરોગ્ય કર્મીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનનો ગેરકાયદેસર સંગ્રહ કે વેચાણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. જો ઉક્ત બાબતે કોઇપણ ફરિયાદ મળશે તો સંબંધિત હોસ્પિટલ સંચાલક સામે એપેડેમિક એક્ટ-1897, ભારત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005 અને ભારતીય દંડ સહિતા-1860ની જોગવાઇ અન્વયે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer