અમદાવાદ રેલવેએ 19 આઇસોલેશન કોચ બનાવ્યા

કોરોનાના 304 દર્દીઓ સારવાર લઇ શકે તેવી વ્યવસ્થા : બેડની અછતનો વિકલ્પ
 
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા. 3:કોરોના કાળમાં ખૂટી રહેલા બેડની સમસ્યાને નિવારવા માટે અમદાવાદ રેલવે મંડળે 19 આઇસોલેશન કોચ તૈયાર કર્યા છે. જેમાં સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે. કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે તેમજ કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કાલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં કોરોના સામેના યુદ્ધમાં પશ્ચિમ રેલવે દ્વારા પણ ભાગીદારી આપવામાં આવી રહી છે.
સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 02 ઉપર 06 કોચ મૂકવામાં આવ્યા છે. જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારી શકાય છે એમ ડી.આર.એમ. દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું.
આ કોચમાં તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફાલિંગની વ્યવસ્થા          (જુઓ પાનું 9)
 
 
સ્થાનિક પ્રશાસન કરશે. દરેક વોર્ડમાં લીનનની સુવિધા (બેડશીટ્સ, પિલો કવર સહિત) અને ત્રણ પ્રકારનાં ડસ્ટબિન (લાલ, પીળો, લીલો) હશે જે વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે.
કોચની બંને બાજુની બારી મચ્છરદાનીથી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં ઇમરજન્સી પરિસ્થિતિઓથી બચાવવા માટે બે ફાયર ફાઈટિંગ સાધનો રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ કોચમાં દાખલ દર્દીઓ માટે દવાઓ અને અન્ય તબીબી ઉપકરણો તથા મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે. કોચમાં ઠંડક જળવાઈ રહે તે માટે રૂફટોપ પર પાટની બોરીઓ મૂકીને સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓ પરેશાન ન થાય તે માટે દરેક વોર્ડમાં એક કુલર લગાવવામાં આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer