ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં માવઠાની શક્યતા
 
અમદાવાદ, તા. 3: સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે રાજસ્થાન, પાક્સિતાનના સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.  હજુ આગામી પાંચ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમા કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં સતત પાંચ દિવસ હળવો વરસાદ થવાની આગાહી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
 
આજે મુખ્યમંત્રી જૂનાગઢ આવી કોરોના મુદ્દે યોજશે સમીક્ષા બેઠક
(ફૂલછાબ ન્યૂઝ)
જૂનાગઢ, તા.3: જૂનાગઢ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના અનુસંધાને આવતીકાલે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ તથા આરોગ્ય સચિવ જૂનાગઢ આવી સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
સતાવાર રીતે આઠથી નવ લોકો મૃત્યુ પામે છે. જયારે 20થી વધુ મૃતદેહની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થાય છે. ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વેઈટીંગ છે તેમજ પુરતો સ્ટાફ નથી. આ સ્થિતિમાં કોરોના સંક્રમિત થતા લોકો તથા તેના સ્વજનોને હેરાન થવું પડી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણના અનુસંધાને આવતીકાલે તા.4ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મુખ્ય સચિવ, અનિલ મુકિમ તથા આરોગ્ય સવિચ જયંતિ રવિ જૂનાગઢ આવશે અને તેઓ 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ તેમજ તેના નિયત્રંણ સહિતની બાબતે સમીક્ષા બેઠક યોજી જરૂરી સુચના આપશે.
મુખ્યમંત્રી આવતીકાલે સમીક્ષા બેઠક યોજવાના હોવાથી વહિવટી તંત્ર તથા આરોગ્ય તંત્રના અધિકારીઓ સ્ટાફ તેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યો હતો. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લામાં કોરોના નિયંત્રણ માટે શું પગલા જાહેર કરે છે? તે જોવું રહ્યું.
 
 
સિવિલમાં રાહ જોતા દર્દીઓની મુલાકાત લે તો સાચી સ્થિતિનો આવે ખ્યાલ
જૂનાગઢ, તા.3:  જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હજુ દર્દીઓનું વેઇટીંગ છે અને વેઇટીંગની જગ્યામાં  સારવારની રાહ જોતા દર્દીઓને ઓક્સિજન સિલીન્ડર સાથે લઇ આવવા મજબૂર બને છે. આવતી કાલે જૂનાગઢ આવતા સી.એમ. સમીક્ષા બેઠક બાદ  સિવિલ હોસ્પિટલમાં વેઇટીંગમાં રહેલા દર્દીઓની મુલાકાત લઇ તેની સ્થિતિ જુએ તો વાસ્તવિક સ્થિતિ શું છે ? તેનો ખ્યાલ આવે તેમ છે. કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. સિવિલ હોસ્પિટલમાં બેડ અને સારવાર માટે દર્દીઓને રાહ જોવી પડે છે. તંત્ર દ્વારા વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યા ઘટી હોવાનો દાવો થઇ રહ્યો છે. પરંતુ હજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને વેઇટીંગમાં રહેવું પડે છે. ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને વેઇટીંગના સમય દરમિયાન ઓક્સિજન સિલીન્ડર સાથે લઇ આવવા મજબૂર થવુ પડે છે.
આવતી કાલે મુખ્યમંત્રી જૂનાગઢ આવી કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કોરોના સંક્રમણ અંગેની વિગતો જાણશે અને બાદમાં પગલા લેવા અંગે સુચના આપશે.
આ સમીક્ષા બેઠક બાદ સી.એમ. સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે વેઇટીંગની જગ્યામાં ઓક્સિજન સિલીન્ડર સાથે નીચે ગાદલામાં બેડની રાહ જોઇ રહેલા દર્દી અને તેના સ્વજનોની મુલાકાત લેતો વાસ્તવિક સ્થિતિ શું છે ? તેનો ખ્યાલ આવી શકશે અને એ મુજબ પગલા લેવા સુચના આપી શકાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer