જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ચોમાસાનો માહોલ, કરા પડયાં

4 મી.મી. વરસાદથી રસ્તા પર વહેવા લાગ્યું પાણી
 
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ,તા. 3 : જૂનાગઢ આસપાસ આજે પણ બપોર સુધી આકરા તાપ બાદ હવામાન પલ્ટાયુ હતું અને બપોર બાદ કમોસમી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઇ ગયો હતો. ચાર મી.મી. વરસાદથી રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.
જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા પાંચ-છ દિવસથી રોજ બપોર બાદ  હવામાન પલ્ટાઈ જાય છે. સવારથી બપોર સુધી ગરમી અને આકરો તાપ પડે છે. બપોર બાદ સાડા ચાર પાંચ વાગ્યા આસપાસ આકાશમાં વાદળો ચડી આવે છે અને કમોસમી વરસાદ પડે છે.
આજે 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ સાડા ચાર વાગ્યા આસપાસ આકાશમાં વાદળો ચડી આવ્યા હતા અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો થોડીવાર તો ધોધમાર ઝાપટુ વરસ્યું હતું. બાદમાં હળવા છાંટા વરસ્યા હતા. જૂનાગઢ શહેરમાં ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદના લીધે જૂનાગઢમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો.
પવન સાથે કમોસમી વરસાદ થતા જૂનાગઢ આસપાસના વિસ્તારમાં આંબાઓ પરથી કેરી ખરી જવાથી નુકસાન થયું હતું.
મોટી ગોપ વિસ્તારમાં કરા પડયા
જામનગર : જામજોધપુર તાલુકા મોટી ગોપ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સાંજે બરફના કરા સાથેનો કમોસમી વરસાદ પડયો હતો. જેથી ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે.
મોટી ગોપ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો હતો જોકે થોડીવાર પછી વરસાદ રોકાઈ જતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer