પરિણામ બાદ ક્યા રાજ્યમાં ક્યારે બનશે સરકાર ?

પરિણામ બાદ ક્યા રાજ્યમાં ક્યારે બનશે સરકાર ?
-મમતા બેનરજી વિધાયક દળના નેતા ચૂંટાયા, પાંચમી  મેના શપથ : આજે તમિલનાડુમાં વિધાયકોની બેઠક
નવી દિલ્હી, તા. 3 : વર્ષ 2021મા ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી ચૂંટણીના પરિણામ સામે આવી ચુક્યા છે. હવે પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પુડ્ડુચેરી અને તમિલનાડુમા સરકારના ગઠનની તૈયારી શરૂ થઈ ચુકી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે અને સાંજે સરકાર રચવાનો દાવો પણ રાજ્યપાલ સમક્ષ કરી દેવામાં આવ્યો હતો. પાંચમી મેના તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેરળમાં સત્તારૂઢ એલડીએફનું નેતૃત્વ કરનારા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શાનદાર જીત નોંધાવ્યા બાદ નવા મંત્રીમંડળના ગઠન પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ અને ભાજપની પરંપરાગત વામ વિરોધી નીતિઓના કારણે એલડીએફનેસરળ જીતમાં મદદ મળી હતી. એલડીએફએ 140માથી 87 બેઠક જીતી છે. રાજભવન સુત્રો મુજબ વિજયનને નવી સરકારના શપથગ્રહણ સુધી મુખ્યમંત્રી પદે કાર્ય કરવા કહેવામાં આવ્યું છે.
આ દરમિયાન તમિલનાડુમાથી અહેવાલ સામે આવ્યા છે કે ડીએમકેએ મંગળવારે વિધાયકોની બેઠક બોલાવી છે. જેમાં પક્ષ પ્રમુખ એમકે સ્ટાલિનને વિધાયક દળના નેતા ચૂંટવાની સંભાવના છે. ડીએમકેએ એઆઈએડીએમકેને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યો છે. સ્ટાલિન હવે મુખ્યમંત્રી પદે કારભાર સંભાળવાની તૈયારી કરી હ્યા છે. ડીએમકેએ 126 બેઠક જીતી છે. જ્યારે બહુમતનો આંકડો 118નો હતો.
આસમમાં ચૂંટણીના પરિણામે ભાજપને રાહત આપી છે. આસામમાં સત્તા વિરોધી લહેરને પાછળ રાખીને ભાજપે ફરી સત્તા મેળવી છે. ભાજપે 60 બેઠક ઉપર જીત મેળવી છે. કોંગ્રેસે 29, એઆઈયુડીએફએ 16, એજીપીએ 9 અને બીપીએફએ ચાર બેઠક મેળવી છે.
----------------
ચૂંટણી અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી મળેલી : મમતાનો સનસનીખેજ દાવો
કોલકતા,તા.3: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ  મમતા બેનરજીએ સનસનીખેજ દાવો કર્યો છે. મમતાએ કહ્યું છે કે, તેમને નંદીગ્રામનાં ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, ફરીથી મતગણતરીનો આદેશ તેની જીંદગીને જોખમમાં મૂકી શકે છે. માટે જ ફેરગણતરી નહોતી કરાવી. મમતાએ કહ્યું હતું કે, ઔપચારિક ઘોષણા પછી પંચે નંદીગ્રામનાં પરિણામોને કેવી રીતે પલટાવી નાખ્યા એ મુદ્દે તેઓ અદાલતમાં પણ જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer