જુલાઈ સુધી રહેશે રસીની અછત: પુનાવાલા

જુલાઈ સુધી રહેશે રસીની અછત: પુનાવાલા
રસીનાં ઉત્પાદનની ક્ષમતા
10 કરોડ ડોઝ પ્રતિ માસ થયા બાદ સ્થિતિ સામાન્ય બનશે
નવી દિલ્હી, તા. 3: એક તરફ દેશમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. જેમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સીરમ ઇન્સ્ટિટયુટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, આગામી અમુક મહિના સુધી 6 - 7 કરોડ ડોઝની ક્ષમતા છે અને જુલાઈ સુધી આ ક્ષમતા 10 કરોડ ડોઝ પ્રતિ માસ થઈ જશે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે  2-3 મહિના સુધી રસીની કમીનો સામનો કરવો પડશે. જુલાઈ સુધી સ્થિતિ સામાન્ય બની જશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસની બીજી લહેર એટલી ભયાનક બની ચૂકી છે કે દરરોજ 4 લાખથી પણ વધારે નવા મામલા સામે આવી રહ્યા છે.
પુનાવાલાએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેમણે રસીનાં ઉત્પાદનની ક્ષમતાને એટલે નહોતી વધારી કારણ કે ઓર્ડર ઓછા મળી રહ્યા હતા. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, જુલાઈ સુધી રસીની અછત રહેશે. પહેલા ઓર્ડર આવી રહ્યા નહોતા અને પછી એવો વિચાર પણ નહોતો કે વર્ષભરમાં એક અબજથી વધારે ડોઝ બનાવવા પડશે. હવે માત્ર ભારત જ નહી પણ પૂરી દુનિયા રસીની અછતનો સામનો કરી રહી છે.
પુનાવાલાના કહેવા પ્રમાણે જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઘટયા ત્યારે સરકારે કોરોનાને હળવાશથી લીધો હતો. એવું લાગી રહ્યું હતું કે ભારતે કોરોનાને હરાવવાની શરૂઆત કરી દીધી છે. ગયા મહિને જ સરકારે સીરમ ઇન્સ્ટિટયુટને 3000 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા છે. જેથી રસીના ડોઝ બનાવવાની ક્ષમતાને વધારી શકાય.
----------------
ભારતને ચોથી કોરોના રસી મળવાની શક્યતા : ફાઇઝર કરી રહી છે વાતચીત
નવી દિલ્હી, તા. 3: દેશમાં કોરોના વાયરસની જંગ માટે ભારતને ચોથી કોરોના રસી મળી શકે છે. દુનિયાની સૌથી કારગર વેક્સિન બનાવતી કંપની ફાઇઝર ભારતના સંપર્કમાં છે. ભારતમાં પોતાની રસીને મંજૂરી અપાવવા માટે વાતચીત કરી રહી છે. ફાઇઝર અમેરિકી વેક્સિન નિર્માતા કંપની છે જે ભારત આવી શકે છે. ઘણા એક્સપર્ટે આ રસીને કોરોના સંક્રમણ સામે સૌથી કારગર માની છે. રસીએ પોતાના તમામ ટ્રાયલમાં કોરોના સંક્રમણ સામે 92 ટકાથી લઈને 95 ટકા સુધી ક્ષમતા બતાવી હતી. વેક્સિનનું નામ બીએનટી162બી2 છે. જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ અસરકારક અને સુરક્ષિત કોરોના વેક્સિનની યાદીમાં સામેલ કરી છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. મૃત્યુનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. પરિસ્થિતિ કાબૂની બહાર ગઈ છે. તેવામાં ભારત સરકાર રસીકરણને કોરોનાના સૌથી મોટા ઉપાય તરીકે જોઈ રહી છે. વર્તમાન સમયમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે તેમજ પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. ભારતમાં આવતા પહેલા ફાઇઝરે એક શરત મૂકી છે. ફાઇઝરે કહ્યું છે કે તે રસીને માત્ર સરકારી કોન્ટ્રાક્ટનાં માધ્યમથી જ આપશે. એટલે કે કદાચ રસી ખાનગી હોસ્પિટલોમાં મળશે નહીં. જ્યાં સુધી સરકાર પ્રાઇવેટ હોસ્પિટલોને રસી ન આપે.
----------------
કોરોનાને હરાવવા ભારત સાથે આવી
ફાઈઝર : 7 કરોડ ડોલરની દવાઓ મોકલશે
નવી દિલ્હી, તા. 3 : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે પુરી દુનિયા ભારતની મદદ માટે આગળ આવી છે. અમેરિકાથી લઈને યૂરોપ અને દક્ષિણ એશિયા સુધીના દેશોથી ભારત માટે મદદ પહોંચવાની શરૂ થઈ છે. આ દરમિયાન વૈશ્વિક દવા નિર્માતા ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ કહ્યું છે કે, અમેરિકા, યુરોપ અને એશિયા સ્થિત વિતરણ કેન્દ્રોમાંથી 7 કરોડ ડોલરની દવાઓ ભારત માટે મોકલવામાં આવી રહી છે. ફાઈઝર ઈન્ડિયાના કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, તે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છે અને ભારતના લોકોની સાથે છે. એમ પણ લખવામાં આવ્યું હતું કે, બીમારી સામે ભારતની લડાઈમાં ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે અને પોતાની કંપનીના ઈતિહાસમાં સૌથી મોટી માનવીય રાહત માટે ઝડપથી કામ કરી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer