ઓક્સિજનનાં વાંકે કર્ણાટકની હોસ્પિટલમાં 24 દર્દીનાં મૃત્યુ

ઓક્સિજનનાં વાંકે કર્ણાટકની હોસ્પિટલમાં 24 દર્દીનાં મૃત્યુ
-પરિજનોએ હંગામો કરતા ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા
 
 
બેંગલુરુ, તા. 3: ઓક્સિજનની કમી અને સપ્લાય બંધ થતાં હોસ્પિટલોમાં સતત દર્દીઓનાં મૃત્યુના અહેવાલ સામે આવી રહ્યા છે. કર્ણાટકની એક હોસ્પિટલમાં ઓક્સિજનની કમીનાં કારણે કોરોનાના 12 દર્દી સહિત 24 દર્દીનાં મૃત્યુ થયાં છે. તમામ દર્દી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ભરતી હતા અને અચાનક ઓક્સિજન સપ્લાય બંધ થઈ હતી.
બનાવ કર્ણાટકના ચામરાજનગરનો છે. જેની જિલ્લા હોસ્પિટલમાં કોરોના અને નોન કોવિડ દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો હતો. ઘણા દર્દી વેન્ટિલેટર ઉપર હતા. અચાનક ઓક્સિજન સપ્લાયમાં અડચણ આવી હતી અને દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિજનોમાં હડકંપ મચ્યો હતો અને હંગામો કર્યો હતો. આ દરમિયાન સ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને લોકોને શાંત કરાવ્યા હતા. અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.
જિલ્લા પ્રભારી મંત્રી સુરેશ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલનું નિરિક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે ડેથ ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કલબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ શનિવારે કોરોનાના ચાર દર્દીના ઓક્સિજનની કમીથી મૃત્યુ થયાં હતાં જ્યારે વીજળી જવાથી સરકારી હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer