દેશમાં ફરી આવશે પૂર્ણ લોકડાઉન?

દેશમાં ફરી આવશે પૂર્ણ લોકડાઉન?
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોનાની રફ્તાર તોડવા લોકડાઉનનો વિકલ્પ વિચારવા કહ્યું
 
નવીદિલ્હી,તા.3: કોરોનાનાં બીજા વંટોળમાં દેશ ભયંકર સંકટમાં સપડાઈ ગયો છે. રોજેરોજ વિક્રમી કેસો અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે. જેને પગલે ફરી એકવાર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા છેડાઈ ગઈ છે. આ દરમિયાન હવે સુપ્રીમ કોર્ટે પણ કોરોનાની રફ્તારને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન ઉપર વિચાર કરવાં
કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ગંભીરતાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામૂહિક મેળાવડા, સમારોહ અને સુપરસ્પ્રેડર જેવી ઘટનાઓ ઉપર પ્રતિબંધ લગાવવા માટે વિચારવા આગ્રહ કરીશું. જનહિતમાં આ વાયરસને રોકવાં માટે સરકારો લોકડાઉન કરવાં અંગે પણ વિચારી શકે છે. જો કે આ સાથે જ કોર્ટે હાંસિયામાં રહેતા વંચિત સમુદાયો ઉપર લોકડાઉનની વિપરિત અને માઠી અસરો ખાળવા માટે વિશેષ ઈંતઝામ સુનિશ્ચિત કરવાં પણ ખાસ ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન પહેલા આ સમુદાયની વ્યવસ્થા થઈ જવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે આગળ ઉમેર્યુ હતું કે, લોકડાઉન લગાવતા પહેલા તેની સામાજિક અને આર્થિક અસરોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સુપ્રીમે કેન્દ્રને આપાતકાલીન ઉપયોગ માટે રાજ્યો સાથે મળીને ઓક્સિજનનો ભંડાર સુરક્ષિત રાખવા અને આવા ભંડારોનાં વિકેન્દ્રીકરણનો નિર્દેશ પણ આપ્યો છે. જેથી સામાન્ય પુરવઠાની શ્રૃંખલા બાધિત થાય તો તેનો તત્કાળ ઉપયોગ
થઈ શકે.
દિલ્હીની જમીની હાલત હૃદયદ્રાવક છે તેવું કહીને અદાલતે કેન્દ્રને એવો નિર્દેશ પણ આપ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનની આપૂર્તિની તંગી દૂર થવી જોઈએ. ઓક્સિજનનાં પુરવઠાની જવાબદારી એકબીજા ઉપર ફેંકાફેંક કરવામાં નાગરિકોનું જીવન જોખમાવું જોઈએ નહીં. કોઈપણ દર્દીને ભર્તી કરવાનો ઈન્કાર પણ થઈ શકે નહીં. પછી તેની પાસે આવશ્યક ઓળખપત્રો હોય કે ન હોય. જેની પાસે ઓળખપત્ર ન હોય તેમને પણ આપાત સેવાઓ ઉપલબ્ધ થવી જોઈએ. હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવાં માટે રાષ્ટ્રીય નીતિ બનવી જોઈએ.
------------
મીડિયાને કોર્ટનું રિપોર્ટિંગ કરતા રોકી ન શકાય: સુપ્રીમ
નવીદિલ્હી, તા.3: કોઈપણ સુનાવણી દરમિયાન ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી મૌખિક ટિપ્પણીઓને રિપોર્ટ કરતાં મીડિયાને રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર.શાહની પીઠે આજે કહ્યું હતું કે, ન્યાયાધીશોની મૌખિક ટિપ્પણીઓનું રિપોર્ટિંગ વ્યાપક જનહિતમાં છે, કારણ કે આનાથી જવાબદેહિતા આવે છે. આ સાથે જ અદાલતે મદ્રાસ હાઇ કોર્ટની ચૂંટણીપંચ સામે હત્યાનો ગુનો નોંધવાની ટિપ્પણીને પણ સાચી ભાવનાથી ગ્રહણ કરવાં માટે ચૂંટણીપંચને કહી દીધું હતું.
મદ્રાસ હાઇ કોર્ટ તરફથી કોરોના સંકટના મામલે ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવા જેવી કઠોર ટિપ્પણી બાદ પંચે કરેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આજે મીડિયાની ભૂમિકાની ચાવીરૂપ ભૂમિકાને પુષ્ટિ આપી હતી. આ અરજીમાં પંચે એવી માગ રાખી હતી કે કોર્ટમાં થતી મૌખિક ટિપ્પણીઓનું મીડિયામાં રિપોર્ટિંગ અટકાવવું જોઈએ. જેમાં પંચને કોઈ રાહત આપવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો હતો અને સાથે કહ્યું હતું કે, ન્યાયાલયમાં શું થઈ રહ્યું છે ? દિમાગની કેવી કસરત ચાલી રહી છે તે વિશે નાગરિકો જાણવા માગતા હોય છે. આનાથી અદાલતી કામગીરી અંગે લોકોના વિશ્વાસને દૃઢતા મળે છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું હતું કે, અમે હાઇ કોર્ટને હતોત્સાહિત કરવા નથી માગતા. તે આપણી ન્યાયિક પ્રણાલીનું મહત્ત્વપૂર્ણ અંગ છે.
હાઇ કોર્ટ તરફથી હત્યાનો ગુનો નોંધવા અંગે કરવામાં આવેલી કડવી ટકોર વિશે સુપ્રીમ કોર્ટે પંચને કહ્યું હતું કે, ન્યાયધીશ જ્યારે કોઈ કેસ સાંભળે ત્યારે તે લોકોનું વ્યાપક હિત ધ્યાને રાખતા હોય છે. તેઓ પણ માણસ જ છે અને તેમને પણ તનાવ હોઈ શકે. મદ્રાસ હાઇ કોર્ટ તરફથી જે કંઈપણ કહેવામાં આવ્યું છે તેને ઉચિત ભાવનાથી ગ્રહણ કરવું જોઈએ.
--------------
21 દિવસના લોકડાઉન માટે કેન્દ્રની તૈયારી !
 
બિનસત્તાવાર અહેવાલ: સેના કરાવશે લોકડાઉનની અમલવારી !
નવીદિલ્હી,તા.3: તમામ પ્રયાસો વિફળ સાબિત થઈ રહ્યા છે અને કોરોના સંક્રમણ નિરંકુશ ફેલાઈ રહ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટ, કોરોના ટાસ્ફફોર્સ, વૈજ્ઞાનિકો, તબીબો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણો અને સૂચનો ઉપર ધ્યાન આપવામાં આવે તો આ જીવલેણ સંકટમાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય હવે લોકડાઉન દેખાઈ રહ્યો છે. જેને પગલે કેન્દ્ર સરકારે કોરોના સામે આ નિર્ણાયક લડાઈ છેડવા માટેની તૈયારીઓ હાથ ધરી દીધી હોવાનાં બિનસત્તાવાર અહેવાલો આવી રહ્યાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાનાં આ ચક્રવાતની ચેઈન તોડવા માટે દેશમાં 21 દિવસ માટે તાળાબંધી કરવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધસૈન્ય દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શક્ય છે કે આ વખતે દેશમાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન સેના નિયંત્રણોની અમલવારીનો મોરચો સંભાળે.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં તબાહી મચી ગઈ છે અને રાજ્ય સરકારો તરફથી કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો કારગત સાબિત થઈ રહ્યા નથી. બીજીબાજુ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ છે. વાયરસનાં અવનવા રૂપ અનેકગણાં વધુ ઝડપે પ્રસરી શકે તેવી આશંકા છે. જેને પગલે હવે કેન્દ્ર સરકારે નવેસરથી કોરોના સામે જંગ છેડવાની તૈયારી હાથ ધરી હોવાનું કહેવાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer