ICCના વાર્ષિક અપડેટ બાદ T-20 ક્રમાંકમાં

ICCના વાર્ષિક અપડેટ બાદ T-20 ક્રમાંકમાં
ટીમ ઇન્ડિયાને ફાયદો, વન ડેમાં નુકસાન
દુબઈ, તા.3: આઇસીસીના વાર્ષિક અપડેટ બાદ ટીમ ઇન્ડિયા ટી-20 વિશ્વ ક્રમાંકમાં તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે પણ વન ડે રેન્કિંગમાં એક સ્થાનના નુકસાનથી ત્રીજા નંબરે ખસી ગઈ છે. વાર્ષિક અપડેટમાં ન્યૂઝિલેન્ડની ટીમને ફાયદો થયો છે. કિવિઝ ટીમ ટી-20 ક્રમાંકમાં પાંચમા પરથી ત્રીજાં સ્થાને પહોંચી ગઈ છે. કિવિ ટીમ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બંગલાદેશની ટીમને હરાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા પરથી પાંચમા સ્થાને ખસી ગઈ છે. શ્રીલંકા અને બંગલાદેશની ટીમ એક સ્થાનના ફાયદાથી ક્રમશ: આઠમા અને નવમા નંબર પર છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ બે સ્થાનના નુકસાથી 10મા ક્રમે છે.
આઇસીસીની વિજ્ઞપ્તિ અનુસાર નવા અપડેટમાંથી 2017-18ના પરિણામો દૂર કરી દેવામાં આવ્યા છે અને 2019-20માં રમાયેલા મેચોને વધુ પોઇન્ટ આપવામાં આવ્યા છે.
વન ડે રેન્કિંગના વાર્ષિક અપડેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબરે છે. ટોચ પર ન્યૂઝિલેન્ડની ટીમ છે જ્યારે ભારતીય ટીમ એક સ્થાનના નુકસાનથી ત્રીજા ક્રમે છે. વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ચોથા ક્રમે ધકેલાઈ છે. ભારત અને ઇંગ્લેન્ડની ટીમના એક સરખા 11પ રેટિંગ પોઇન્ટ છે પણ ટકાવારીના આધારે ભારત ત્રીજા નંબર પર છે. આ પછી અનુક્રમે ઇંગ્લેન્ડ, દ. આફ્રિકા, પાકિસ્તાન, બંગલાદેશ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે.
આઇસીસીએ જણાવ્યું છે કે ટેસ્ટ ક્રમાંકના વાર્ષિક અપડેટ પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની વર્તમાન શ્રેણી સમાપ્ત થયા બાદ જાહેર થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer