નંદીગ્રામમાં હારવા છતાં મુખ્યમંત્રી બનશે મમતા

નંદીગ્રામમાં હારવા છતાં મુખ્યમંત્રી બનશે મમતા
છ મહિનાની અંદર વિધાનસભા સભ્ય બનવું પડશે
કોલકાતા, તા. 3 : ભાજપના આક્રમક પ્રચાર અભિયાનને સજજ્ડ જવાબ આપતા મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને સતત ત્રીજી વખત સત્તામાં વાપસી આપવી છે. જો કે નંદીગ્રામ બેઠક ઉપરથી હારે જીતને થોડી ફીકી કરી દીધી છે. મમતા બેનરજીને શુભેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડયો છે. જો કે હાર છતા પણ મમતાની સીએમ બનવાની રાહમાં કોઈ અડચણ નથી. સંવૈધાનિક વ્યવસ્થા મુજબ પોતાની બેઠક હારવા અને વિધાનસભાના સભ્ય ન હોવા છતા પણ તેઓ સીએમ બની શકે છે. એવા અમુક સીએમ છે જેઓ મુખ્યમંત્રી બનવા સમયે રાજ્યની વિધાનસભાના સભ્ય નહોતા. બિહારના નિતિશ કુમાર ત્રણ દશકથી વધુ સમયથી વિધાનસભા ચૂંટણી લડયા નથી. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ ચૂંટણી નથી લડી. આ બન્ને નેતા વિધાન પરિષદના સભ્ય છે. બિહાર અને મહારાષ્ટ્રમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે સદન છે. જો કે બંગાળમાં વિધાન પરિષદ નથી. તેવામાં મમતાએ મુખ્યમંત્રી પદ સંભાળવા માટે છ મહિનાની અંદર વિધાનસભા સભ્ય બનવું પડશે. ખાલી કરવામાં આવેલી કોઈ બેઠક ઉપર પેટા ચૂંટણીમાં જીત મેળવીને અથવા તો ચૂંટણી ન થઈ હોય તેવી બેઠક ઉપરથી ઉમેદવાર બનીને જીત મેળવી વિધાનસભા સભ્ય બની શકે છે. સંવિધાનના અનુચ્છેદ 164 મુજબ એક મંત્રી જે વિધાયક નથી, તેણે છ મહિનામાં રાજીનામું આપવું પડશે.
-----------
બંગાળમાં પરિણામ બાદ હિંસા ભડકી: નવનાં મૃત્યુ
ભાજપે ટીએમસી ઉપર મુક્યો આરોપ : ગૃહ મંત્રાલયે માગ્યો રિપોર્ટ : દિલીપ ઘોષની રાજ્યપાલ સાથે મુલાકાત
 
કોલકાતા, તા. 3 : પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસીની નોંધપાત્ર જીત બાદ ઘણા સ્થળોએથી ંિહંસાના અહેવાલો સામે આવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસીના સમર્થકો ઉપર મારપીટ અને હિંસાનો આરોપ મુક્યો છે. પરિણામ બાદ અલગ અલગ હિંસામાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા બંગાળ સરકાર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. હુમલા મામલે ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્યપાલ જગદિપ ધનખડની પણ મુલાકાત કરી હતી. ઘોષે કહ્યું હતું કે, બંગાળમાં પરિણામ બાદ થયેલી હિંસામાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીએમસી ઉપર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે સત્તાધારી પાર્ટી હાથ બાંધીને બેઠી છે. પોલીસ નિક્રીય છે. હિંસા મામલે રાજ્યપાલ સમક્ષ કરવામાં આવેલુ નિવેદન સ્વિકારી લેવામાં આવ્યું છે અને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ દરમિયાન ભાટપારામાં હિંસા થઈ હતી અને દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે સ્થાનીક લોકોએ દાવો કર્યો હતો કે ટીએમસીના ગુંડાઓએ ઘટનાને અંજામ આપ્યો છે. એક શખસે એમ પણ કહ્યું હતું કે, વિસ્તારમાં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હિંસાના અહેવાલો બાદ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી વિપક્ષી દળના કાર્યકરો ઉપર થઈ રહેલા હુમલા અંગે રિપોર્ટ માગ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer