કોરોનાના વેશમાં કાળ 3417ને ભરખી ગયો

કોરોનાના વેશમાં કાળ 3417ને ભરખી ગયો
નવા 3.68 લાખ દર્દી સાથે કુલ આંક 1.99 કરોડને પાર, 2.18 લાખ મોત, સળંગ બીજા દિવસે ત્રણ લાખથી વધુ સાજા
નવી દિલ્હી, તા. 3 : રસી, દવા, ઓકિસજનની અછત વચ્ચે માનવજાતનો દુશ્મન બનેલો કોરોના સોમવારે ભારતમાં વધુ 3417 સંક્રમિતોને ભરખી ગયો હતો. તો, આજે 3.68 લાખથી વધુ 3,68,147 નવા કેસ સામે આવ્યા હતા. આમ, છેલ્લા માત્ર ત્રણ દિવસમાં 11 લાખથી વધુ દર્દી ઉમેરાયા છે.
ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા બે કરોડ નજીક, 1 કરોડ, 99 લાખ, 25,604 પર પહોંચી ગઇ છે, તો કુલ 2,18,959 દર્દી કોરોનાનો કોળિયો બની ચૂકયા છે.
દેશમાં આજે 63,998 સક્રિય કેસોના વધારા બાદ આજની તારીખે સારવાર હેઠળ છે, તેવા કેસોનો આંક 34 લાખને આંબી 34,13,642 પર પહોંચી ગયો છે. સક્રિય કેસોનું પ્રમાણ ફેબ્રુઆરીથી સતત વધતું રહીને સોમવારે 17.13 ટકા થઇ ગયું હતું.
ભારતના વિવિધ ભાગોમાં સોમવારે સળંગ બીજા દિવસે ત્રણ લાખથી વધુ સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ સાજા દર્દીની સંખ્યા 1.62 કરોડને આંબી, 1 કરોડ, 6 લાખ, 93,003 થઇ ગઇ છે.
સતત વધી રહેલા નવા કેસોનાં કારણે સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ આજે ઘટીને 81.77 ટકા થઇ ગયો હતો.
પાછલા 24 કલાકમાં એક સાથે 3,00,732 લોકો કોરોનાને હરાવીને સાજા થતાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 1,62,93,003 થઈ ગયો છે. ઈંઈખછ (ઈંક્ષમશફક્ષ ઈજ્ઞીક્ષભશહ જ્ઞર ખયમશભફહ છયતયફભિવ) મુજબ 2 મે સુધીમાં દેશમાં કોરોનાના ટેસ્ટ માટે 29,16,47,037 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી રવિવારે 15,04,698 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કુલ 15,71,98,207 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતાં 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો. આ પછી 19 એપ્રિલે ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1.50 કરોડને પાર થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer