હેરોઇન કેસમાં પાકિસ્તાનીઓ 12 દિનના રિમાન્ડમાં

સ્થાનિક કચ્છથી છેક પંજાબ સુધીની કડીઓ સપાટી ઉપર આવતાં સમગ્ર મામલો બન્યો વધુ ગંભીર
હાજી ડિલિવરી લેવાનો હતો, માંડવીનો શાહિદ માલ પંજાબ પહોંચાડવાનો હતો
ભુજ, તા. 16 : (ફૂલછાબ ન્યુઝ) આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ભારતીય હદના સમુદ્રી વિસ્તારમાંથી 30 કિલો હેરોઇન સાથે પકડાયેલા આઠ પાકિસ્તાની નાગરિકના બાર દિવસના રિમાન્ડ મેળવીને સુરક્ષા તંત્રોએ સમગ્ર મામલાનાં તાણાવાણા અંકે કરવાનો વ્યાયામ ગંભીરતા સાથે હાથ ધર્યો છે. આજે ભુજ ખાતેની ખાસ અદાલતે આઠેય પાકિસ્તાની ઇસમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ તહોમતદારો સાથે કેસની છાનબીનનો હવાલો રાજ્ય ત્રાસવાદ વિરોધી દળે સંભાળ્યો છે. આગામી કલાકોમાં ધડાકાભેર વિગતો બહાર આવવાનો અણસાર પણ તપાસના ધમધમાટ ઉપરથી આવી રહ્યો છે. પ્રકરણમાં સ્થાનિકે કચ્છથી છેક પંજાબ સુધીની લિન્ક મળી આવતાં સમગ્ર મામલો અત્યંત ગંભીર સ્વરૂપ પકડી ચૂકયો છે.
અબડાસાના જખૌ બંદરથી 40 નોટિકલ માઇલ દૂર મધદરિયે પાકિસ્તાની નૂહ શકિના નામની બોટમાં આંતરરાષ્ટ્રીય બજાર મુજબ રૂા. 300 કરોડની કિંમતના 30 કિલો હેરોઇન સાથે પકડાયેલા પાકિસ્તાન કરાચીના વતની એવા આઠેય આરોપીને વિધિવત ધરપકડ બાદ આજે અત્રેની કેફી દ્રવ્ય ધારાના કેસો માટેની ખાસ અદાલતના ન્યાયાધીશ અધિક સેશન્સ જજ ડી.જી. રાણા સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગણી સાથે પેશ કરાયા હતા. ન્યાયાધીશે તપાસકર્તા એ.ટી.એસ. ટુકડી અને તેના વતી ઉપસ્થિત રહેલા ખાસ નિયુક્ત સરકારી ધારાશાત્રી એવા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીની દલીલો-માગણી અન્વયે આગામી તા. 28મી એપ્રિલ સુધીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરતો આદેશ કર્યો હતો.  રિમાન્ડ મળ્યા બાદ તપાસ અને આરોપીઓનો કબ્જો એ.ટી.એસ. દ્વારા સંભાળી લેવાયો છે. આ તપાસકર્તા દળ તહોમતદારોને સાથે રાખીને અમદાવાદ ભણી રવાના થઇ ચૂકયું છે.
બીજી બાજુ અત્યાર સુધીની તપાસ તળે સપાટીએ આવેલી વિગતો અનુસાર નૂહ શકિના નામની બોટમાં પાકિસ્તાનના ઇબ્રાહીમ હૈદરી સાગરકાંઠેથી હેરોઇનનો જથ્થો ભરાયો હતો અને તેને યુક્તિપૂર્વક બોટમાં છુપાવી રખાયો હતો. કરાચીના બાબા બીટમાં રહેતા આરીફ કચ્છીએ રવાના કર્યો હોવાનું પણ ખુલ્યું છે. તો કેફી દ્રવ્યનો આ જથ્થો કચ્છના જખૌ નજીકના દરિયાઇ વિસ્તારમાં હાજી નામનો વ્યક્તિ બોટથી લેવા આવવાનો હતો તેવુંયે આયોજન ગોઠવાયું હતું. પણ આવું થાય તે પહેલાં તટરક્ષક દળ અને ત્રાસવાદ વિરોધી દળ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં હેરોઇન સાથે બોટ અને પાકિસ્તાનીઓને ઝડપી પડાયા હતા. સત્તાવાર સાધનો પાસેથી મળેલી વધુ જાણકારી મુજબ સમગ્ર કિસ્સામાં ગંભીરતા સાથેનો મુદ્દો એ સપાટી ઉપર આવ્યો છે કે કચ્છના માંડવીના રહેવાસી શાહિદ સુમરા તેના માણસો દ્વારા હેરોઇન પંજાબમાં મનજિતાસિંગ બુટાસિંગ (રાયપુર), રેશમાસિંગ કરશનાસિંગ (જલંધર) અને પુનિત ભીમસેન કજાલા (અભોર)ને મોકલવાનો હતો. તપાસનાં કામે આ માથાંઓ તરફ પણ પગેરું દબાવીને તેમને દબોચી લેવા માટેનો વ્યાયામ હાથ ધરાયો છે.
દરમ્યાન આજે અત્રેની કોર્ટમાં રિમાન્ડ માટેની સુનાવણીમાં એ.ટી.એસ. અને સરકાર વતી દલીલો કરતા ખાસ નિયુક્ત સરકારી ધારાશાત્રી કલ્પેશ ગોસ્વામીએ દેશને નુકસાનકર્તા અને ખાસ કરીને યુવાધનને બરબાદીમાં ધકેલવા માટેના આ કારસાની સર્વગ્રાહી અને નશ્તરૂપ કાર્યવાહી આવશ્યક હોવા ઉપર ભાર મુકયો હતો. માલની ડિલિવરી લેવા માટે આવનારા હાજીની ઓળખ કરવી, આરોપીઓ કોઇ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ, ઉપરાંત આ સમગ્ર કાંડમાં કોઇ ઉગ્રવાદી જોડાણ સામેલ છે કે કેમ તેના સહિતની વિગતો બહાર લાવવી જરૂરી બતાવી સમગ્ર મામલાની ઝાળ ભેદવાની કાર્યવાહી જરૂરી બન્યાનું તેમણે જણાવ્યું હતું. અદાલતે આ દલીલો સાથે સહમત થઇ બાર દિનના રિમાન્ડ આપતો આદેશ કર્યો હતો.
કેસની સર્વગ્રાહી રીતે ગંભીરતા સાથે થઇ રહેલી તપાસ જોતાં આગામી કલાકોમાં વધુ સ્ફોટક વિગતો બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer