રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશન વેચતા ખાનગી હોસ્પિટલના બે કર્મચારીની ધરપકડ

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશન વેચતા ખાનગી હોસ્પિટલના બે કર્મચારીની ધરપકડ
ચાર ઈન્જેકશન કબજે: મેડિકલ સ્ટોરના સંચાલક -તબીબના નિવેદન નોંધતી પોલીસ
રાજકોટ, તા.16 : કોરોના દર્દીઓને આપવામાં આવતા  રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત હોય દર્દીઓના પરિવારદ્વારા નિયત ભાવ કરતા અનેક ગણા ભાવે ઈન્જેકશન ખરીદવા માટેથી તૈયાર હોવાથી લેભાગુ તત્વો દ્વારા કાળા બજાર શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન ખાનગી હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા બે શખસો દ્વારા કાળાબજારમા ઈન્જેકશનો વેચવામાં આવતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બંને શખસોને ઝડપી લઈ 4 ઈન્જેકશનો તથા બાઈક-મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને શખસોની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી સમગ્ર કૌભાંડના અંકોડા મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસેના ગુણાતીતનગરમાં  કોરોના દર્દીને આપવામા આવતા રેમડેસીવીર ઈન્જેકશન કાળાબજારમાં વેચવામાં આવતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોસઈ વી.જે.જાડેજા તથા એએસઆઈ જયેશભાઈ નીમાવત, જમાદાર મહેન્દ્રસિંહ જાડેજા, હિતુભા ઝાલા, ભરતસિહ, ચેતનસિહ સહીતના સ્ટાફે ગુરુપ્રસાદ ચોકમાં વોચ ગોઠવી હતી અને ઈન્જેકશન આપવા આવેલા મુળ વેરાવળના રામપરા ગામના અને હાલમાં ગોકુલધામ સોસાયટીમા રહેતા દેવાંગ મેણસી મેર નામના શખસને એક રેમડેસીવીર ઈન્જેકશન સાથે ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અને પુછતાછમાં આ ઇન્જેકશન મુળ તાલાલાના ટીખોર ગામનો અને હાલમાં બસ સ્ટેશન પાસે સતકાર કોવીડ હોસ્પિટલમાં નોકરી કરતા પરેશ અરસી વાજા નામના શખસ પાસેથી લાવ્યાનું ખુલતા પોલીસે પરેશ વાજાને ઝડપી લીધો હતો તેમજ અગાઉ ત્રણ ઈન્જેકશનો પણ આપ્યા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે હાથ ધરેલી તપાસમાં સતકાર હોસ્પિટલના લોટસ મેડીકલ સ્ટોરમાં નોકરી કરતો પરેશ વાજા આ ઈન્જેકશન મેડીકલ સ્ટોરમાંથી લાવી વેચતો હોવાનુ ખુલ્યું હતું.પોલીસે મેડીકલ સ્ટોરના બે સંચાલકોના નિવેદનો નોધવાનું શરૂ કર્યું હતું અને ઈન્જેકશનનો કેટલો જથ્થો આવ્યો અને કેટલા દર્દીઓને કેટલા ઈન્જેકશનો વેચ્યા તે સંદર્ભે તમામ સાહિત્ય એકત્રીત કરી ઈન્જેશકનના અંકોડા મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. કેનાલ રોડ પર આવેલી સતકાર હોસ્પિટલ મુળ આંખની હોસ્પિટલ છે. નવ માસથી આ હોસ્પિટલમાં  કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલનું સચાલન ડો.અમર કાનાબાર, ડો.હર્ષિત કોટક અને ડો.કડીવાર સંભાળે છે અને મેડીકલ સ્ટોરનું સંચાલન દિવ્યેશ  અને કુણાલ કરે છે. પોલીસે પ્રાઈમ હોસ્પિટલમા કોન્ટ્રાકટ બેઈઝથી નોકરી કરતા દેવાંગ મેણસી મેર અને સતકાર હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા પરેશ અરસી વાજા વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે હોસ્પિટલના તબીબોના પણ નિવેદનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer