મુંબઈ સામે હૈદરાબાદને રહેશે હારની હેટટ્રિકનો ડર

મુંબઈ સામે હૈદરાબાદને રહેશે હારની હેટટ્રિકનો ડર
 આજે મુકાબલો : હૈદરાબાદની ટીમમાં ફેરફારની શક્યતા
નવી દિલ્હી, તા. 16 : સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ શનિવારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મજબુત ટીમ સામે રમશે. આ મેચમાં યોગ્ય ટીમ સાથે ઉતરવાનો પ્રયાસ કરશે. જેથી બે હાર બાદ જીતથી ખાતુ ખોલી શકાય. ડેવિડ વોર્નરની આગેવાનીની સનરાઈઝર્સની ટીમને ચૈન્નઈની પીચ જામી રહી નથી અને ટીમ 150ના લક્ષ્યાંકને પાર પાડવામાં પણ નાકામ રહી છે. પહેલા બે મેચમાં ટીમને લક્ષ્યનો પીછો કરવામાં પરેશાનીનો સામનો કરવો પડયો છે. તેવામાં ટીમની કમીઓ દુર કરીને ફરીથી મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કેપ્ટન વોર્નરની અંતિમ ઈલેવનની પસંદગી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોની બેયરસ્ટો અને ઋદ્ધિમાન સહાના રૂપમાં બે વિકેટકીપરને અંતિમ ઈલેવનમાં જગ્યા આપવાનો કોઈ હેતુ પુરો થઈ રહ્યો નથી. સહા ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં લયમાં જોવા મળી રહ્યો હતો. સહા પહેલી ટૂર્નામેન્ટથી હિસ્સો છે પણ તેનો રેકોર્ડ જોવામાં આવે તો નિરંતર રન બનાવવામાં નાકામ રહ્યો છે.
ડગ આઉટમાં કેદાર જાધવ જેવા અનુભવી ખેલાડી અને પ્રિયમ ગર્ગ જઅને અભિષેક શર્માના રૂપમાં બે પ્રતિભાવાન ખેલાડીઓની હાજરીથી સહાને આ પ્રદર્શન સાથે ટીમમાં વધુ તક મળવાની શક્યતા ઓછી છે. કેદાર અને અભિષેક સાથે જો ટીમ ઉતરશે તો સ્પીન બોલિંગનો પણ વિકલ્પ મળી રહેશે. વિદેશી ખેલાડીઓમાં માત્ર વોર્નર અને રાશિદ ખાનની જ પસંદગી નક્કી છે. તેવામાં સનરાઈઝર્સને પુરી રીતે ફીટ કેન વિલિયમમ્સનની જરૂર છે. કારણ કે તે સ્પીન આક્રમણ સામે સારી બેટિંગ કરી શકે છે.
મનીષ પાંડે અને અબ્દુલ સમદે આરસીબીનીના સ્પિનર શાહબાઝ અહમદ સામે જે બેટિંગ બતાવી તેનાથી વોર્નર નિરાશ હશે. પાંડેને પણ બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. બીજી તરફ મુંબઈની ટીમ કોઈપણ ફેરફાર કરે તેવી શક્યતા નથી. ખાસ કરીને કોલકાતા સામે જીત મળ્યા બાદ આ શક્યતા ખુબ ઘટી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને જો કે પોતાના બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે કારણ કે હજી સુધી આશા પ્રમાણેનું પ્રદર્શન જોવા મળ્યું નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer