ચૈન્નઈ સામે પંજાબના 8/106 રન : ચહરની 4 વિકેટ

ચૈન્નઈ સામે પંજાબના 8/106 રન : ચહરની 4 વિકેટ
શાહરુખ ખાનના 47 રન  : ચૈન્નઈની સટીક બોલિંગ સામે પંજાબની બેટિંગ વામણી પુરવાર થઈ
મુંબઈ, તા. 16 : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને ચૈન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આઈપીએલની 14મી સીઝનનો આઠમો મુકાબલો રમાયો હતો. જેમાં ચહરની ઘાતક બોલિંગ સામે પંજાબ ઘુટણીયે પડયું હતું કે નિયત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 106 રન જ થઈ શક્યા હતા. મેચમાં ચહરે 4 ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન એક ઓવર મેઈડન ફેંકી હતી. પંજાબના બેટ્સમેનો દીપક ચહરનો સામનો કરવામાં તદ્દન વામણા પુરવાર થયા હતા. પંજાબ તરફથી શાહરુખ ખાને સૌથી વધુ 47 રન કર્યા હતા. જ્યારે બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ સાબિત થયા હતા.
મેચમાં ચૈન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને આ નિર્ણયનો પુરો  ફાયદો પણ મળ્યો હતો. જેમાં પહેલી જ ઓવરમાં મયંક અગ્રવાલ પેવેલિયન પરત ફર્યો હતો. જેને દીપક ચહરે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ એક સટિક થ્રો કરીને કેએલ રાહુલને રનઆઉટ કર્યો હતો. જેની સાથે જ પંજાબ ઉપર દબાણ વધી ગયું હતું. ત્યારબાદ દીપક ચહરે ક્રિસ ગેલને 10 રનના અંગત સ્કોરે પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. આ જ ઓવરમા નિકોલસ પુરનને પણ દીપક ચહરે આઉટ કરી દેતા પંજાબનો સ્કોર 19 રને ચાર વિકેટ થયો હતો.
ચહરે મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, દીપક હુડા અને નિકોલસ પુરનને આઉટ કર્યા હતા. આ દરમિયાન શાહરુખ ખાને એક છેડો સાચવીને સૌથી વધારે 47 રન કર્યા હતા. ખાને પોતાની ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રિચાર્ડસને 15 રન કર્યા હતા. ચૈન્નઈની સટીક બોલિંગ સામે પંજાબની ટીમ નિયત 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 106 રન જ કરી શકી હતી. ચૈન્નઈ તરફથી ચહરે 4 વિકેટ, સેમ કરને 1, મોઈન અલીએ 1 અને બ્રાવોએ એક વિકેટ લીધી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer