કુંભમાં કોરોના : અખાડાઓમાં ઘમસાણ

કુંભમાં કોરોના : અખાડાઓમાં ઘમસાણ
એકબીજાને દોષ, અમુકે પૂર્ણાહૂતિ જાહેર કરી કેટલા કે 27મી સુધી
ચાલુ રાખવા કર્યું એલાન
હરિદ્વાર, તા.16: દેશમાં કોરોનાની ખતરનાક લહેર વચ્ચે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે આયોજિત કુંભમેળામાં લાખો ભાવિકો ઉમટયા છે. કુંભમાં અનેક સંતો, સેંકડો શ્રદ્ધાળુ કોરોના સંક્રમિત બન્યા બાદ અખાડાઓ આમને સામને આવી ગયા છે. બૈરાગી અખાડાએ આરોપ લગાવ્યો છે કે સન્યાસી અખાડાએ કુંભમાં કોરોના ફેલાવ્યો છે. દરમિયાન છેલ્લા પ દિવસમાં કુંભ મેળામાં કુલ 1701 કોરોનાગ્રસ્ત મળ્યાનું તંત્રએ જાહેર કર્યું છે.
કોરોનાને કારણે કેટલાક અખાડાઓએ 14 એપ્રિલના શાહી સ્નાન બાદ કુંભની પૂર્ણાહૂતિ જાહેર કરી છે તો બૈરાગી અખાડાએ વાંધો ઉઠાવ્યો કે કોરોના સન્યાસી અખાડાને કારણે ફેલાયો છે, બૈરાગી અખાડાને કારણે નહીં ત્યારે કોઈ એક બે અખાડા કુંભની પૂર્ણાહૂતિ જાહેર કરી ન શકે. ઉપરાંત નિર્મોહી અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્ર દાસે કહ્યંy કે કુંભમાં વધતાં સંક્રમણ માટે અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરિ જવાબદાર છે.
નિરંજની અને આનંદ અખાડાએ કુંભની પૂર્ણાહૂતિ જાહેર કરી છે તો સ્વામિ અવિમુક્તેશ્વરાનંદે કુંભ નિર્ધારિત સમય સુધી ચાલુ રાખવા એલાન કર્યું છે. નિયમોના પાલન સાથે શંકરાચાર્ય છાવણી ચાલુ રહેશે.
બૈરાગી અખાડાએ ર7મીએ શાહી સ્નાનનું એલાન કર્યું છે. નિર્મોહી, નિર્વાણી અને દિગમ્બર અખાડાએ નિરંજની અને આનંદ અખાડા માફી માગે તેવી માગ કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer