કોરોનાનો સકંજો : નવા 2.17 લાખથી વધુ કેસ

કોરોનાનો સકંજો : નવા 2.17 લાખથી વધુ કેસ
વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની ઈં 19 સપ્ટેમ્બર 2020 બાદ સર્વાધિક 1185 લોકો મહામારીમાં ભરખાયા
સક્રિય કેસ પણ 15 લાખને પાર થયા
નવી દિલ્હી, તા. 16 : કોરોના વાયરસની બીજી લહેર બેહદ ઘાતક સાબિત થઈ રહી છે. એક તરફ રસીકરણ અને બીજી તરફ ધડાધડ સામે આવી રહેલા નવા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ નવા દર્દીઓ અને એક હજારથી વધુનાં મૃત્યુએ સ્વાસ્થ્ય સેવાઓ સામે પડકાર સર્જ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર ઝડપથી વધી રહેલાં સંક્રમણની ઝપટે છેલ્લા ચોવીસ કલાકમાં 2,17,353 લોકો ઝપટે ચડતાં દેશમાં અત્યાર સુધી સંક્રમિત થઈ ચૂકેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,42,91,917 થઈ હતી અને આ બીમારીનો ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 15 લાખને પાર થઈ છે.
11મી એપ્રિલ બાદનો આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે દેશમાં એક જ દિવસમાં 1.50 લાખથી વધુ મામલા સામે આવ્યા છે. એ જ રીતે સાતમી એપ્રિલ બાદ આ સતત 10મો દિવસ છે જ્યારે એક લાખથી વધુ મામલા દર્જ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર શુક્રવાર સવારે 8 વાગ્યાના અદ્યતન આંકડાઓ અનુસાર સંક્રમણથી 1185 વધુ લોકોનાં મોત થયા બાદ કુલ મૃતક સંખ્યા વધીને 1,74,308 થઈ છે. દેશમાં 19 સપ્ટેમ્બર 2020 બાદ પહેલી જ વખત એક દિવસમાં સર્વાધિક લોકોનાં મોત થયાં છે.
સંક્રમણના મામલામાં સતત 37મા દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં ઉપચારાધીન દર્દી એટલે કે સક્રિય મામલાઓની સંખ્યા વધીને 15,69,743 થઈ છે, જે સંક્રમણના કુલ મામલાના 10.98 ટકા છે જ્યારે સ્વસ્થ થનારા લોકોની ટકાવારી ઘટીને 87.80 ટકા થઈ ગઈ છે. સૌથી ઓછા 1,35,296 ઉપચારાધીન દર્દી 12મી ફેબ્રુઆરીએ હતા. નવી લહેર દરમ્યાન મહામારીથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને 1,25,47,866 થઈ છે અને મૃત્યુદર 1.22 ટકા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર 15 એપ્રિલ સુધી 26,34,76,625 નમૂનાની તપાસ થઈ ચૂકી છે, જેમાંથી 14,73,210 સેમ્પલના ટેસ્ટ ગુરુવારે કરવામાં આવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer