સૌરાષ્ટ્રમાં 1737 લોકો કોરોનાગ્રસ્ત, 43% કેસ રાજકોટના

સૌરાષ્ટ્રમાં 1737 લોકો કોરોનાગ્રસ્ત, 43% કેસ રાજકોટના
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.16 : સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા હવે સ્થિતિ ગંભીર થતી જાય છે. અનેક ગામડાઓમાં સ્વેચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યા છે તો શહેરોમાં હજુ પણ લોકોમાં ગંભીરતાનો અભાવ દેખાઈ રહ્યો છે. બીજી તરફ સરકાર પણ હવે લોકડાઉન નાખે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવા મોતના આંકડા રાજકોટ અને જામનગરમાં આવી રહ્યા છે. કેસના આંકડામાં પણ મોટો ઉછાળો આવી રહ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્રના વધુ 1737 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાંથી 75 અર્થાત 43 ટકા કેસ એકલા રાજકોટ જિલ્લામાં નોંધાયા હતા અને 52 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જામનગર જિલ્લામાં 314 કેસ અને 58 દરદીનો ભોગ લેવાયો હતો. જો કે, આ મૃત્યુનું આખરી કારણ ડેથ ઓડિટ કમિટી જાહેર કરશે. આ ઉપરાંત ભાવનગરમાં 197 તો જૂનાગઢમાં 135 કેસ નોંધાયા હતા. જ્યારે 3 જિલ્લામાં 100થી અને 4 જિલ્લામાં 50થી ઓછા કેસ નોંધાયા હતા.
રાજકોટ શહેરમાં 707 અને ગ્રામ્યમાં 52 મળીને જિલ્લામાં નવા 759 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 34258 થયો હતો. જેમાંથી આજે 52 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા તો 435 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. અત્યારે શહેરના 4312 અને ગ્રામ્યના 523 મળીને જિલ્લામાં 4835 એક્ટિવ કેસ રહ્યા હતા.
જામનગરમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 58 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે શહેરના 192 અને ગ્રામ્યના 122 મળીને જિલ્લામાં નવા 314 કેસ નોંધાયા હતા તો 220 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 112 અને ગ્રામ્યના 85 મળીને જિલ્લામાં નવા 197 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8579 થયો હતો. જેમાંથી વધુ 79 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 1208 એક્ટિવ કેસ રહ્યા હતા.
જૂનાગઢ શહેરમાં 74, માળીયામાં 18, ભેંસાણમાં 10, જૂનાગઢ ગ્રામ્યમાં 7, માંગરોળમાં 6, કેશોદ, વંથલી અને માણાવદરમાં 5-5, વિસાવદરમાં 3 અને મેંદરડામાં 2 મળીને જિલ્લામાં નવા 135 કેસ નોંધાયા હતા અને 80 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના 22 તથા વેરાવળના 4 સહિત નવા 32 કેસ નોંધાયા હતા અને 10 દરદી સાજા થયા હતા. અમરેલી જિલ્લામાં નવા 92 કેસની સામે 33 દરદી સાજા થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 69 કેસ નોંધાયા હતા અને 14 દરદી ડિસ્ચાર્જ થયા હતા.
મોરબી જિલ્લામાં 55 કેસ અને 12 ડિસ્ચાર્જ, બોટાદ જિલ્લામાં 40 કેસની સામે 2 ડિસ્ચાર્જ તથા પોરબંદરમાં 15 કેસની સામે 10 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા 29 કેસ નોંધાયા હતા પરંતુ એકેય દરદી ડિસ્ચાર્જ થયો નહોતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer