નીરવ મોદીનાં પ્રત્યાર્પણનો તખ્તો તૈયાર

નીરવ મોદીનાં પ્રત્યાર્પણનો તખ્તો તૈયાર
નિર્ણયને કોર્ટમાં પડકારવા નીરવ મોદીને 15 દિવસનો સમય
લંડન, તા.16: હજારો કરોડ રૂપિયાનાં કૌભાંડના આરોપી નીરવ મોદીને આખરે બ્રિટનથી ભારત ખેંચી લાવવાનો માર્ગ ખૂલી ગયો છે.
સીબીઆઈના જણાવ્યા પ્રમાણે બ્રિટનના ગૃહમંત્રીએ ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની લીલીઝંડી આપી દીધી છે. એટલે કે નીરવ મોદીનાં પ્રત્યાર્પણની માગણી ઉપર બ્રિટિશ સરકાર સહમત થઈ ગઈ છે. જેથી હવે તેને ભારત લઈ આવવા માટેની બાકીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરવા માટે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી જશે. જોકે, નીરવ મોદી પાસે પ્રત્યાર્પણને હાઈકોર્ટમાં પડકારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
પંજાબ નેશનલ બેન્કનાં આશરે 12 હજાર કરોડ રૂપિયા ગુપચાવી જનાર મોદી લંડનમાં ભરાઈ ગયો હતો અને ત્યાંની કોર્ટનાં માધ્યમથી ભારતમાં પોતાનું પ્રત્યાર્પણ અટકાવવાની ફિરાકમાં હતો. ફેબ્રુઆરીમાં લંડનની કોર્ટે તેની સામે પૂરતા પુરાવા હોવાની વાત માની હતી અને તેની તમામ દલીલોને ખારિજ કરી દીધી હતી. આ સાથે જ કોર્ટે એવું પણ માન્યું હતું કે, મોદી સબૂત નષ્ટ કરવા અને સાક્ષીઓને ધમકાવવાની સાજિશ કરી રહ્યો છે. જામીન મેળવવા માટે મોદીના અનેક પ્રયાસ મેજિસ્ટ્રેટ કોર્ટ અને ઉચ્ચ અદાલતમાં ફગાવાઈ ગયા હતા, કારણ કે તે ફરાર થઈ જવાનું જોખમ હતું. નીરવ મોદીએ બચવા માટે કોર્ટમાં માનસિક સ્વાસ્થ્યનો હવાલો પણ આપેલો. જો કે કોર્ટે કહ્યું હતું કે, આવા સંજોગોમાં આવું થવું અસામાન્ય નથી. જજે કહ્યું હતું કે, નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં પૂરતી તબીબી સારવાર આપવામાં આવશે અને તેની માનસિક દેખભાળ પણ થશે. અદાલતે આગળ એવું પણ કહેલું કે, તેને ભારત મોકલવામાં આવે તો આત્મહત્યાનો પણ કોઈ ખતરો નથી કારણ કે આર્થર રોડ જેલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ફોર્બ્સ પત્રિકા અનુસાર 2017માં નીરવ મોદીની કુલ દૌલત આશરે 11700 કરોડ રૂપિયા જેટલી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer