ઉદ્યોગક્ષેત્રે એક પહેલ : પટેલ બ્રાસ વર્કસનું પેઇડ લોકડાઉન

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપનીમાં રાખ્યું એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.16: રાજકોટ સહિત રાજ્યનાં અનેક શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેનાં કારણે હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. એવા સમયે કોરોનાની મહામારીને રોકવા માટે ઘણાં ગામડાઓ અને નાનાં નગરોએ વેપાર-ધંધા બંધ રાખીને સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે ત્યારે કોરોનાની આ ચેઇન તોડવા માટે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પોતાની પટેલ બ્રાસ કંપનીમાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી અને એક અનોખી પહેલ કરી છે.
રાજકોટમાં કોરોનાના કેસ જેટગતીએ વધી રહ્યા છે ત્યારે નરેશ પટેલ અને તેના પુત્ર શિવરાજ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં આગવું નામ છે, તેમાં 400 જેટલા કર્મચારી કામ કરી રહ્યા છે એને એક અઠવાડિયું એટલે કે આવતા શુક્રવાર સુધી રજા આપવામાં આવી છે. તેમના દ્વારા કોરોના કહેર વચ્ચે આ સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે.
આ અંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે ફૂલછાબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પપ્પા નરેશભાઈ અને મેં કર્મચારીનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે, કારણ કે અત્યારે શહેરમાં કોરોનાનાં કારણે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એવા સમયે અમારા કર્મચારીમાંથી કોઈ બીમાર ન પડે એનું ધ્યાન અમારે રાખવાનું હોય છે. આવા સમયે ધંધા કરતા માણસાઈ વધારે મહત્ત્વની હોય છે. આગામી એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન તમામ કર્મચારીઓને પૂરો પગાર આપવામાં આવશે. આવી રીતે અન્ય કંપનીઓએ પણ આગળ આવીને કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઇએ. આ રીતે જ આપણે કોરોના સામે જીત મેળવી શકશું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer