ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોકટર્સને સ્ટાઇપન્ડ ઉપરાંત $ 5000 પ્રોત્સાહન ભથ્થું

(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.16:  કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં જોડાયેલા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોકટર્સ માટે સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જુન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કોવિડ પ્રોત્સાહન ભથ્થુ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા  મહત્વનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડોકટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા -સુશ્રુષા કરી રહ્યા છે તેને ધ્યાને લઇને આ નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રાજ્યની સરકારી તેમજ જીએમઇઆઇએસ મેડીકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતાં કોવિડના સમયગાળામાં કાર્યરત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડોકટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ.13,000 કર્યુ હતું. હવે કોવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ ડોકટર્સનેરૂપિયા 13,000ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કોવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer