IMA સંલગ્ન તબીબોને કોરોના સામેની લડાઈમાં જોડાવા મુખ્યમંત્રીની અપીલ

(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 16: આજે ગાંધીનગર ખાતેથી મુખ્ય સાત શહેરોના આઈ.એમ.એ. પ્રમુખ-હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલ, બેડ અને અન્ય સંસાધનોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આવા સમયે રાજ્યના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ શાખાના તબીબો કોરોના મહામારી સામેની લડતમાં વહીવટી તંત્ર સાથે જોડાય તે સમયની માંગ છે. 
કોરોના મહામારી સામેની લડતમાં તબીબો જ સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું. જિલ્લામાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવા અને તંત્રને મદદરૂપ થવા પ્રાઇવેટ નર્સિંગ હોમ કોરોનાના દર્દીઓ માટે પથારી અનામત રાખે તે ઇચ્છનીય છે.
તેમણે જણાવ્યું હતુ કે આપદાઓ અનેક આવે છે પરંતુ આરોગ્ય આપદામાં માત્ર તાલીમબદ્ધ આરોગ્ય કર્મીઓ જ દર્દીને સેવા- સારવાર આપી શકે છે. માનવ સંસાધનની માંગને પહોંચી વળવા આરોગ્ય ક્ષેત્રે આવશ્યક તમામ ભરતીઓ કરવાની જિલ્લા વહીવટી તંત્રને છુટ આપી છે. સરકારે આરોગ્ય વિભાગની હોમીયોપેથી, આયુર્વેદિક જેવી તમામ શાખાના આરોગ્ય કર્મી- તબીબોને કોવિડ દર્દીઓની સારવારમાં જોડ્યા છે ત્યારે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની ભૂમિકા પણ એટલી જ મહત્વની બની જાય છે.
ઇ-સંવાદમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરના આઇએમએના તબીબો ફેમિલી ડૉક્ટરની જેમ ટેકનોલોજીના માધ્યમથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોરોનાના દર્દીનું કાઉન્સિલીંગ-સારવાર કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આપણે કોરોનાના દર્દીને ફોન ઉપર કે વીડિયો કોલના માધ્યમથી તેની સાથે વાતચીત કરીને સારવાર આપી શકીએ અને જરૂર જણાય તો જ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપીએ, આમ કરવાથી સામાન્ય લોકોમાં કોરોનાનો ડર ઓછો થશે. 
તેમને ભારપૂર્વક જણાવ્યુ હતુ કે આપણે ફેમિલી ડૉક્ટરની ભૂમિકા ભજવીશું તો જ કોરોનાની પરિસ્થિતિને સંયુક્ત પ્રયાસોથી નિયંત્રણમાં લાવી શકીશું. આઅપણે આપણા વિસ્તાર-શહેરમાં પ્રજાલક્ષી સેવાકાર્યો કરતા હોઇએ છીએ તેમાં આ બાબત ઉમેરવી પડશે. આપણા યોગ્ય માર્ગદર્શનથી કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહેશે તો સરકારી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે અને લોકો પોતાના ઘરે રહીને જ સારી સારવાર લઈ શકશે. આપણે ખાનગી પ્રેક્ટિસની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓનું કાઉન્સિલીંગ કરતા રહેવું જોઇએ તો કોઇનો જીવ બચાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું. 
મુખ્યપ્રધાને આરોગ્ય કર્મીઓને બીરદાવ્યા
અમદાવાદ, તા. 16: કોરોનાના કપરા કાળમાં રાજયના સૌ તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્યકર્મીઓએ આપેલા યોગદાન અને સેવાને કોટી કોટી વંદન કરી તેમની સેવાઓને બિરદાવી અભિનંદન આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે આપનુ મનોબળ ટકી રહે એ માટે રાજયના સવા છ કરોડ નાગરિકોના આશીર્વાદ અને શુભકામનાઓ આપ સૌની સાથે જ છે.
રૂપાણીએ આજે સોશિયલ મિડીયાના માધ્યમથી આરોગ્ય કર્મીઓને સંબોધતા કહ્યુ હતું કે,આપ સૌ  તબીબો અને પેરામેડીકલ સ્ટાફે સતત એક વર્ષથી આપના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જે સેવા કરી છે એ એળે નહી જાય એવો મને દ્રઢ વિશ્વાસ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer