અમરેલીમાં રાતના કફર્યૂમાં તસ્કરોએ કળા કરી: ત્રણ દુકાનનાં તાળાં તોડયાં

તસ્કરોએ કોમ્પલેક્સમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા
 
અમરેલી, તા.15: અમરેલી શહેરના સાવરકુંડલા રોડ બાયપાસ ઉપર આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ એક કોમ્પલેક્સમાં ગત રાતના તસ્કરોએ કફર્યૂમાં કળા કરી એકી સાથે ત્રણ દુકાનના શટર ઉચકી માલ સામાન-પરચૂરણ રોકડ રકમ સહિત કુલ રૂા.28 હજારની ચોરી કરી લઈ જતા ભારે ચકચાર જાગેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી આર.ટી.ઓ કચેરી નજીક આવેલ આયુષ કોમ્પલેક્સમાં ગત રાતના કફર્યૂના સુમસામ સમયમાં તસ્કરો ત્રાટકેલ હતા. તસ્કરોએ એકી સાથે ત્રણ દુકાનને નિશાન બનાવેલ હતી. જેમાં હરસિદ્ધિ પાન સેન્ટર, પૂજા પાન પાર્લર, સ્ટાર કોમ્પ્યુટર નામની દુકાનોના શટર ઉંચકી હરસિદ્ધિ પાન સેન્ટરમાં ગલ્લામાં રાખેલ રોકડ રકમ રૂા. ચાર હજાર, તમાકુનો બાંધો તેમજ અન્ય બે દુકાનમાંથી પરચૂરણ અને કેમેરો સહિત કુલ રૂા.28,250ના માલમતાની ચોરી થયાની ફરિયાદ આજીભાઈ મનજીભાઈ ચૌહાણે તાલુકા પોલીસમાં નોંધાવેલ હતી. તસ્કરોએ કોમ્પલેક્સમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખેલ
હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer