ચોરવાડ નજીકના ઘુમલી સીમમાંથી માનવ કંકાલ મળ્યું

પોલીસે કંકાલને એફ.એસ.એલમાં મોકલી ઓળખ મેળવવા શરૂ કરી તપાસ
જૂનાગઢ, તા.15: ચોરવાડ નજીકનાં ઘુમલી ગામની સીમમાંથી ગઈકાલે એક માનવ કંકાલ મળ્યું હતું. આ કંકાલ અંગે જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ કંકાલને એફ.એસ.એલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરવાડ નજીકનાં ઘુમલી ગામની માણેકવાડા પા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાંથી એક માનવ ખોપરી, કરોડરજજુ તેમજ અન્ય હાડકાં મળી આવ્યાં હતાં. આ અંગે ગામના સરપંચ બાબુભાઈ ખેરે પોલીસને જાણ કરતા ચોરવાડ પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. આ કંકાલની હાલત પરથી આ કંકાલ ત્રીનું છે કે પુરુષનું? તે પણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. આ અંગે પોલીસે અજાણ વ્યક્તિનું કોઈણપણ સમયે મૃત્યુ થયા અંગેની એ.ડી. દાખલ કરી માનવ કંકાલને એફ.એસ.એલમાં મોકલી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અગાસી પરથી પડી જતા વૃદ્ધનું મૃત્યુ: જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા હાજી અબ્દુલ્લાભાઈ ઠેબા (ઉ.82) અગાસી પરથી પડી જતા તેઓનું મૃત્યુ થયું હતું જ્યારે માંગનાથ રોડ પર રહેતા દિવ્યાંગ મસરીદાસ વૈષ્ણવ (ઉ.51)એ કોઈ કારણસર સેલફોસ પાવડરથી લેતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer