અમેરિકા-રશિયા વચ્ચે તણખાં

અમેરિકા-રશિયા વચ્ચે તણખાં
-અમેરિકાએ 10 રશિયન રાજદ્વારીને હાંકી કાઢ્યાં, 3 ડઝન નાગરિકો-કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો
 
વોશિંગ્ટન, તા.1પ : રશિયાએ યુક્રેન સરહદે ઉભા કરેલા યુદ્ધ ઉન્માદ વચ્ચે અમેરિકા અને રશિયા આમને-સામને આવી ગયા છે. એક મહત્વના ઘટનાક્રમમાં અમેરિકાએ રશિયાના 10 રાજદ્વારીઓને હાંકી કાઢયા છે એટલું જ નહીં રશિયા પર નવા પ્રતિબંધો લાદતાં ટેન્શન વધ્યુ છે.
અમેરિકામાં ગત વર્ષ યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપ અને હેકિંગ મામલે રશિયા પર આંગળી ઉઠાવતાં રાષ્ટ્રપતિ જૉ બાઈડેને રશિયાના 10 રાજદ્વારીનો દેશનિકાલ અને રશિયાના 3 ડઝન નાગરિકો અને કંપનીઓ પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો હતો. એવુ કહેવાય છે કે અમેરિકાએ પહેલીવાર રશિયા વિરૂદ્ધ આવા આકરા પગલાં લીધા છે. જેના કારણે બંન્ને દેશ વચ્ચે યુક્રેન મામલે વ્યાપ્ત તણાવ વધ્યો છે.
યુક્રેન વિરૂદ્ધ રશિયાની લશ્કરી હિલચાલના જવાબમાં અમેરિકાએ બે યુદ્ધક જહાજ રવાના કર્યા હતા પરંતુ રશિયાની આકરી પ્રતિક્રિયા અને લશ્કરી મોકડ્રિલને પગલે આ જહાજોને અમેરિકાએ રોકી દીધા છે.
----------
અફઘાનિસ્તાનમાંથી થશે અમેરિકી સેનાની વાપસી
 
નવી દિલ્હી, તા. 15: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને એલાન કર્યું છે કે આ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૌથી લાંબી લડાઈના સમાપનનો સમય છે. આ એક એવી જવાબદારી જેને પોતાના ઉત્તરાધિકારી ઉપર છોડવા માગતા નથી. બાઇડને બુધવારે દેશને સંબોધનમાં કહ્યું હતું કે અમેરિકા આ જંગમાં સતત સંસાધનોની આપૂર્તિ કરી શકે તેમ નથી. પોતાના સહયોગીઓ અને ભાગીદારો, સૈન્ય નેતાઓ, રાજદ્વારી અધિકારીઓ વગેરે સાથે પરામર્શ બાદ તેઓ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે આ અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈનાં સમાપનનો અને અમેરિકી સૈનિકોનાં ઘરે પરત ફરવાનો સમય છે.
બાઇડને કહ્યું હતું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પરત ફરવામાં કોઈ ઉતાવળ કરશે નહીં. અમેરિકા અફઘાનિસ્તાનમાં સૈન્ય પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં પણ રાજદ્વારી અને માનવતાનાં કાર્ય જારી રાખશે. અમેરિકા અફઘાનિસ્તાન સરકારને સહયોગ આપતું રહેશે. 20 વર્ષ પહેલા થયેલા હુમલાને કારણે અમેરિકા અફઘાનિસ્તાનમાં ગયું હતું પણ હવે કોઈ કારણ નથી. આશા છે કે સૈન્ય વાપસી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. બાઇડને કહ્યું હતું કે તેઓ ચોથા રાષ્ટ્રપતિ છે જેના કાર્યકાળમાં અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિક હાજર છે. હવે આ જવાબદારી પાંચમા રાષ્ટ્રપતિ ઉપર છોડવા માગતા નથી.
વધુમાં કહેવામાં આવ્યું હતું કે મે મહિનાથી સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જો કે આ કામગીરીમાં ઉતાવળ કરવામાં આવશે નહીં. તાલિબાન હુમલો કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને પૂરી તાકાતથી સાથીનો બચાવ કરવામાં આવશે. અમેરિકી સેના 11 સપ્ટેમ્બરના હુમલાની 20મી વરસી સુધીમાં પરત ફરી જશે. જો કે આતંકવાદીઓની હિલચાલ ઉપર હંમેશાં નજર રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer