જીવતા ઠીક, મૃત્યુ બાદ પણ હેરાનગતિ !

જીવતા ઠીક, મૃત્યુ બાદ પણ હેરાનગતિ !
-હોસ્પિટલ બેડ - ઓક્સિજનની અછત, સ્મશાને વેઇટિંગ: સરકારી દાવા અને વાસ્તવિક સ્થિતિમાં ફેર, વ્યવસ્થાતંત્ર ધ્વસ્ત
 
નવી દિલ્હી, તા.1પ: કોરોના મહામારીના સામે આવી રહેલાં દૃશ્યો ભયંકર છે. વાયરસની ઝપટે ચઢયા બાદ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, સારવાર મેળવવામાં હાલાકી એટલું જ નહીં હતભાગી પરિવારજનોને હોસ્પિટલ બાદ સ્મશાને પણ રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ સામે આવી છે.
બિનજરૂરી ખર્ચમાં કરોડો લૂંટાવતી સરકાર દેશમાં મજબૂત સ્વાસ્થ્ય માળખું સ્થાપિત કરવામાં નિષ્ફળ નિવડી છે. દર્દીઓની સંખ્યા ખૂબ વધુ છે તે હકિકત છે પરંતુ દેશનું ખાડે ગયેલું મૂળભૂત સ્વાસ્થ્ય માળખું તથા સ્વાસ્થ્યકર્મીઓની તંગી ઉજાગર થઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મળી રહ્યો નથી. સ્વાસ્થ્ય સુવિધાના અભાવે મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવા પણ મુશ્કેલ બન્યા છે. જીવતા હોય ત્યારે સારવાર માટે અને મૃત્યુ બાદ અવ્વલ મંઝિલે પહોંચવામાં પણ પરેશાની દૂર થઈ નથી. પરિવારજનોને મૃતદેહ સોંપવામાં તથા અંતિમ ક્રિયામાં વિલંબ હૃદયદ્રાવક છે.
દાવા ગમે તેવા કરાય પરંતુ જે હકિકત સામે આવી છે તે મુજબ ગુજરાતમાં કેટલાંક શહેરોમાં હોસ્પિટલ બેડ અને ઓક્સિજનની ભારે અછત છે. અમદાવાદની હોસ્પિટલોમાં માગ 4 ગણી વધી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ આવી જ હાલત છે. ભોપાલમાં 100 હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો નથી. મહારાષ્ટ્રમાં ઓક્સિજનની દૈનિક જરૂરિયાત 700 ટનને આંબી જતાં સપ્લાય અપૂરતી બની છે. દિલ્હીમાં ઓક્સિજનની તીવ્ર માગ વચ્ચે સિલિન્ડરના કાળાબજાર થઈ રહ્યા છે. 6થી 40 લી. સુધીના ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં વેન્ટિલેટર બેડની અછત છે. અહીં 1પ હોટલને કોવિડ સેન્ટરમાં બદલી નાખવામાં આવી છે. યુપીમાં સ્મશાન ઘાટોએ અંતિમક્રિયા માટે સ્વજનોને મૃતદેહ સાથે 10થી 1ર કલાકની રાહ જોવી પડે છે. ક્ષમતાથી વધુ મૃતદેહો સ્મશાન ઘાટો પર આવી રહયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer