કોરોનાનું તાંડવ; એક દી’માં 2 લાખથી વધુ કેસ

કોરોનાનું તાંડવ; એક દી’માં 2 લાખથી વધુ કેસ
-દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,07,739 કેસ નોંધાયા : સક્રિય કેસો, રિકવરી રેટ મામલેય પછડાટ : સતત બીજા દિવસે 1000થી વધુ મૃત્યુ
 
નવી દિલ્હી, તા. 15 : દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કોરોના વિસ્ફોટથી ભારતની સ્થિતિ અતિ બગડી રહી છે. દેશમાં ગુરુવારે સવારે જાહેર થયેલા આંક મુજબ એક જ દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 1000થી વધુ મૃત્યુ નોંધાયા છે. ત્રીજી તરફ, કોવિડ-19 વાયરસથી સ્વસ્થ થનારા દર્દીઓનો દર ઘટી રહ્યો છે અને સક્રિય કેસોની સંખ્યા પણ 14 લાખને પાર થઈ છ.ઁ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1,038 લોકોનાં મોત નિપજ્યાં છે. આ સાથે જ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,40,74,564 થઇ ગઇ છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1,73,123 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 14,71,877 છે અને સ્વસ્થ થવાની સંખ્યા 1,24,29,564 છે.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, આ નવા કેસો સાથે દેશમાં સંક્રમણના કેસો વધીને 1,40,74,564 થઇ ગયા છે. સંક્રમણ મામલે સતત 36માં દિવસે વધારો જોવા મળ્યો છે. દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 14,71,877 થઇ ગઇ છે, જે સંક્રમણના કુલ કેસના 10.46 ટકા છે. જ્યારે સ્વસ્થ થનારા લોકોનો દર ઘટીને 88.31 ટકા રહ્યો છે. સૌથી ઓછા 1,35,926 સારવાર લઇ રહેલા લોકો 12 ફેબ્રુઆરી હતા અને સૌથી વધુ 10,17,754 સારવાર લઇ રહેલા દર્દી 18 સપ્ટેમ્બર, 2020નાં હતાં.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોનાના રોજના નવા કેસોમાં 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે. ભારતમાં કોવિડ-19ના કેસ 7 ઓગસ્ટે 20 લાખનો આંકડો પાર કરી ગયા હતા. જે બાદ સંક્રમણના કેસો 23 ઓગસ્ટે 30 લાખ, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર પહોંચી ગયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer