થાનગઢ પાસે બે મિત્ર પર હુમલો કરી ચાર શખસે કાર, રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી

કાર ફરવા માટે આપવાની ના પાડવાના મનદુ:ખના કારણે બનેલી ઘટના
વઢવાણ, તા. 8: થાનગઢ નજીક બે મિત્ર પર પ્લાસ્ટિકના ધોકા, લાકડીથી હુમલો કરીને કાર, રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટ કરવા અંગે કાર્તિક ઉર્ફે દેવકરણ સબુરભાઇ ભરવાડ સહિત ચાર સામે ફરિયાદ થઇ છે. કાર ફરવા માટે આપવાનો ઇન્કાર કરતાં થયેલા મનદુ:ખના કારણે આ ઘટના બન્યાનું ખુલ્યું છે.
થાનગઢમાં ઝાલાવાડ પોટરી પાસે મફતતિયાપરામાં રહેતાં હિતેષ ઉર્ફે હરેશ ધનજીભાઇ ગોરિયાને ત્રણ દિવસ પહેલા તા.5મીએ રાતના એકાદ વાગ્યાના સુમારે કાર્તિક ઉર્ફે દેવકરણ ભરવાડે ફોન કરીને મોરથળા ગામની સીમમાં બોલાવ્યો હતો.  હિતેષ તેના મિત્ર રવિ દેત્રોજા સાથે સ્વિફટ કાર લઇને મોરથળા ગામે ગયો હતો. તેને કાછિયાગાળા ગામ તરફ આગળ આવવાનું જણાવ્યું હતું.એ બન્ને કારમાં જતા હતા ત્યારે પલ્સર બાઇક પર ત્રણ અજાણ્યા શખસ આવ્યા હતાં અને કારની આડે બાઇક ઉભુ રાખીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ હિતેષે કાર દલડી ગામ તરફ ભગાડી હતી. બાદમાં કાર્તિક ઉર્ફે દેવકરણને ફોન કર્યો હતો. આથી તેને થાનગઢ રોડ પરના મેલડી માતાજીના મંદિર પાસે બોલાવાયા હતાં. ત્યાં જતાં બાઇક પર અજાણ્યા શખસો આવ્યા હતાં અને કાર પર લાકડી અને પ્લાસ્ટિકના ધોકાના ઘા મારીને કારનો કાચ તોડી નાખ્યો હતો. બાદમાં કાર્તિક અને તેના ત્રણ અજાણ્યા સાગરીતોએ હિતેષ અને તેના મિત્ર રવિ પર હુમલો કરીને લાકડી અને પ્લાસ્ટિકના ધોકાથી માર મારીને રૂ. 7200ની રોકડ રકમ, બન્નેના મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂ. 3.17 લાખના મુદ્દામાલની લૂંટ કરીને નાસી ગયા હતાં.  દોઢ વર્ષ પહેલા કાર્તિક ઉર્ફે દેવકરણ ભરવાડે ફરવા માટે  હિતેષ પાસે સ્વિફટ કાર માગી હતી પણ હિતેષે કાર આપવાનો ઇન્કાર કર્યો હતો. આ મનદુ:ખના કારણે હુમલો કરીને કાર, રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટ કરવામાં આવી હતી. આ બનાવ અંગગે પોલીસ ઇન્સ. એમ.ડી. ચૌધરી અને તેની ટીમે તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer