કોડિનાર, તા.8 : કોડિનાર પંથકમાં રહેતા ખેડૂતની વાડીમાં ખાબકેલા તસ્કરો ત્રણ પશુ અને ખોળના બાચકા સહિત રૂ.1.પ7 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન ચોરાયેલી એક ભેંસ ઉના તાબેના સનખડા ગામે રહેતા મસરીભાઈ મોતીભાઈ વાઘેલાના ઘેર હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને મસરીભાઈની પૂછતાછ કરતા આ ભેંસ ઉના તાબેના ઉમેજ ગામનો સોહીલ ઉર્ફેં છોટુ સંધી નામનો શખસ વેચી ગયાનું ખુલતા પોલીસે સોહીલ ઉર્ફે છોટુ સંધીની પૂછતાછ કરી હતી અને સોહીલ સંધીએ બે ભેંસ અને એક પાડી નાંદરખ ગામના ભરત ગોહિલ અને ઘાંટવડ ગામના દિલીપ લાખા લાલકીયા પાસેથી વેચાતી લીધી હતી અને એક ભેંસ ખાંભાના દલડી ગામે વેચી હોવાની કબૂલાત આપી હતી અને પોલીસે દલડી ગામે મુકદ્દર સંધી પાસેથી કબજે કરી હતી.
પોલીસે ઘાંટવડ ગામના દિલીપ લાખા લાલકીયા, ભરત ધરમસી ગોહિલ, અશ્વિન મુળુ ગોહિલ, વિપુલ મસરી મકવાણા સહિત છ શખસોને ઝડપી લઈ રૂ.1.3પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ અન્ય ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા હતા.
કોડિનાર પંથકમાં પશુઓની ઉઠાંતરી કરતી ટોળકી ઝડપાઇ
