જામનગર તા.8: (ફૂલછાબ ન્યુઝ) સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક એક શખસે પોતાનું સ્કૂટર આડેધડ પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક શાખાની ટુકડી ટોઈંગ વાહન સાથે આવી પહોંચી હતી અને સ્કૂટર ડિટેઈન કર્યું હતું. એ સમયે સ્કૂટર ચાલક દંપતી ત્યાં આવી પહોંચ્યું હતું અને ટ્રાફિક શાખાના જમાદાર સાથે જીભાજોડી કરી હતી. વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને ટ્રાફિક જમાદારે સ્કૂટર ચાલકનો કાંઠલો પકડી લેતા ઉશ્કેરાયેલા દંપતીએ ટ્રાફિક જમાદારને ફડાકાવાળી કરી હતી. જયારે પ્રતિકારના ભાગરૂપે ટ્રાફિક જમાદારે પણ ઝપાઝપી કરી લીધી હતી.
આ ઘટના સમયે લોકોનું ટોળુ એકત્ર થયું હતું અને કેટલાક લોકોએ સમગ્ર બનાવનો વિડિયો બનાવીને સોશિયલ મિડિયામાં વાયરલ કરી દીધો હતો.
આખરે આ મામલો પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો અને પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી. સ્કૂટર ચાલક દંપતી દ્વારા પણ હુમલા અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી થઇ હતી.
જામનગરમાં પોલીસમેન અને સ્કૂટર ચાલક દંપતી વચ્ચે બબાલ
