IPLમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ હિર ઝળકાવવા બેતાબ

IPLમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ હિર ઝળકાવવા બેતાબ
રાજકોટ, તા.8: આઇપીએલની 14મી સિઝનમાં સૌરાષ્ટ્રના પાંચ હોનહાર ખેલાડી તેનું કૌવત ઝળકાવવા આતુર છે. આ વખતે આઇપીએલમાં સૌરાષ્ટ્રવાસીઓની નજર ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પુજારા પર વિશેષ રહેશે. તે લાંબા સમય બાદ આઇપીએલમાં વાપસી કરી રહ્યો છે.
આઇપીએલમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીના પાંચ ખેલાડી રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, કેપ્ટન જયદેવ ઉનડકટ, નવોદિત ઝડપી બોલર ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્શન રમવાના છે. જેમાં રવીન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર છે. તે આઇપીએલમાં 184 મેચ રમી ચૂક્યો છે.
 તેનાં નામે કુલ 21પ4 રન અને 114 વિકેટ છે. તેની સેલેરી 7 કરોડ છે જ્યારે ચેતેશ્વર પુજારા પણ વાપસી કરીને રવીન્દ્ર સાથે સીએસકે તરફથી આ વખતે રમવાનો છે. તેને પ0 લાખની બેઝ પ્રાઇસ મળી છે. ચેતેશ્વરને ભૂતકાળમાં આઇપીએલ સફળતા મળી નથી. આ વખતે તે જોરદાર કમબેક માટે તૈયાર છે. જો કે સીએસકેની ઇલેવનમાં તેને તક મળે છે કે નહીં તે નિશ્ચિત નથી. પુજારાએ આઇપીએલમાં 30 મેચમાં 390 રન 99ની સ્ટ્રાઇક રેટથી કર્યા છે.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તરીકે જાણીતા જયદેવ ઉનડકટ ફરી રાજસ્થાન રોયલ્સ તરફથી રમવાનો છે. તેને ત્રણ કરોડ મળે છે. ઉનડકટનાં નામે આઇપીએલમાં 80 મેચમાં 81 વિકેટ છે. ગત સિઝન તેના માટે નિષ્ફળ રહી હતી. તેને સાત મેચ રમવાની તક મળી હતી. જેમાં ફક્ત 4 વિકેટ મળી હતી.
ચેતન સાકરિયા પ્રતિભાશાળી ડાબોડી ઝડપી બોલર છે. તેને 20 લાખની બેઝ પ્રાઇસ સામે 1.20 કરોડની બોલી લગાવીને રાજસ્થાન રોયલ્સ ટીમે ખરીદ્યો છે. તે આઇપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો છે જ્યારે અનુભવી મીડલ ઓર્ડર બેટ્સમેન શેલ્ડન જેક્શન 20 લાખની બેઝ પ્રાઇસ સાથે કોલકતા નાઇટ રાઇડર્સ ટીમનો હિસ્સો છે.
આ ઉપરાંત ગુજરાત અને વડોદરાની ટીમના જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડયા, કુણાલ પંડયા, અક્ષર પટેલ આઇપીએલના સ્ટાર ખેલાડીઓ છે જ્યારે રિપલ પટેલ અને લૂકમેન મેરીવાલા પહેલીવાર આઇપીએલમાં રમવાના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer