કોરોનાનાં કેર વચ્ચે આજથી IPLની ધમાલ

કોરોનાનાં કેર વચ્ચે આજથી IPLની ધમાલ
ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ દ/ત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેચથી ઈંઙકની 14મી સીઝનનું બ્યૂગલ ફૂંકાશે
ચેન્નાઇ તા.8: દેશભરમાં જ્વાળામુખીની માફક ફાટી નીકળેલ કોરોનાની બીજી જીવલેણ લહેર વચ્ચે આવતીકાલ શુક્રવારથી દુનિયાની સૌથી ધનિક ટી-20 લીગ ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (આઇપીએલ)નો અનિશ્ચિતતા અને અજંપા વચ્ચે પ્રારંભ થશે. આઇપીએલની 14મી સિઝનમાં એક તરફ રોહિત શર્મા તેની વિરાસત યથાવત રાખવાના ઇરાદા સાથે ઉતરશે તો વિરાટ કોહલી નવી વિરાસત તૈયાર કરવા માંગશે. સાથોસાથ બધાની નજર મહેન્દ્રસિંહ ધોની પર હશે. તેની ટીમ સીએસકે ગત સિઝનમાં આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર પ્લેઓફમાં પહોંચી ન હતી. આથી ધોની એન્ડ કું. હવે નવી રણનીતિ સાથે મેદાને પડશે. શુક્રવારે પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની ટકકર સિતારા ખેલાડીઓથી સજ્જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. ચેપોક સ્ટેડિયમમાં રમાનાર આ મેચ સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે અને આ સાથે જ આઇપીએલ-2021ની આઇપીએલ સિઝનનું બ્યૂગલ ફૂંકાશે.
કોરોના મહામારીને લીધે આઇપીએલનું આયોજન જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં થશે. દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની છૂટ નથી. ફકત પાંચ મહિનામાં આઇપીએલની બીજી સિઝન ટૂર્નામેન્ટ સંબંધી હિતધારકો માટે આદર્શ સ્થિતિ નથી. આમ છતાં કોવિડ-19ની બીજી ખતરનાક લહેર વચ્ચે ક્રિકેટ ચાહકો માટે આવતા સાત સપ્તાહ ઘણા રોમાંચક બની રહેશે.  તેમને બિગ હિટીંગ, ખતરનાક યોર્કર અને નવી પ્રતિભાઓ જોવા મળશે.
ટૂર્નામેન્ટના પહેલા મુકાબલામાં ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને હશે. બન્ને ટીમના બિગ હિટર કોરોનાથી ત્રસ્ત કરોડો લોકોનું મનોરંજન કરીને રાહત આપશે તેવી આયોજકોને આશા છે. આઇપીએલ પર પણ કોરોનાનું સંકટ છવાયેલું જ છે. લીગની શરૂઆત પહેલા જ કેટલાક ખેલાડીઓ અને અધિકારીઓ બાયો બબલમાં હોવા છતાં પોઝિટીવ આવ્યા છે. આમ છતાં બીસીસીઆઇને વિશ્વાસ છે કે યૂએઇની ગત સિઝનની જેમ આ વખતની સિઝન પણ હેમખેમ પાર ઉતરશે.
ટીમ ઇન્ડિયા માટે આઇપીએલની આ સિઝન ઘણી મહત્વની છે. કારણ કે આ વર્ષે જ દેશમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. કપ્તાન કોહલી અને કોચ શાત્રી આ લીગ દ્વારા સંભવિત ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને દ. આફ્રિકાના ક્રિકેટ બોર્ડ પણ આ લીગમાં તેમના ખેલાડીઓના દેખાવ પર વોચ રાખશે કારણ કે તેમનું ચોકકસ માનવું છે કે આથી તેમના ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપમાં ફાયદો થશે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer