જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્વિક સર્વેક્ષણનો આદેશ

જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્વિક સર્વેક્ષણનો આદેશ
વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદના મુકદમામાં પાંચ સભ્યોની કમિટિ બનાવવા કોર્ટે કહ્યું
નવી દિલ્હી, તા. 8 : વારાણસીમાં વિશ્વનાથ મંદિર પાસેથી જ્ઞાનવાપી મસ્જિદ મામલે અદાલતે પુરાતત્વિક સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. 1991થી ચાલી રહેલા મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આશુતોષ તિવારીની અદાલતમાં બન્ને પક્ષોની દલીલ  સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. અદાલતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને પોતાના ખર્ચે ખોદકામ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓબ્ઝર્વરના નેતૃત્વમાં પાંચ સભ્યની કમિટિનું ગઠન કરવા પણ કહેવામાં આવ્યું છે.
સિવિલ જજ આશુતોષ તિવારીએ જ્ઞાનવાપી મામલે વિજય શંકર રસ્તોગી દ્વારા પરિસરના પુરાતત્વિક સર્વેક્ષણની અરજી સ્વીકાર કરી લીધી છે. બીજી તરફ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધિવક્તા અભય નાથ યાદવના કહેવા પ્રમાણે તેઓ ચૂકાદાથી સંતુષ્ટ નથી અને હાઈકોર્ટમાં તેને પડકારશે.
આ મુકદમાના મામલામાં સુનાવણીના ક્ષેત્રાધિકારને લઈને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને અંજીમન ઈંતજામિયા મસ્જિદે સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકની કોર્ટમાં સુનાવણી માટે પડકાર કર્યો હતો. ગત 25 ફેબ્રુઆરી 2020ના સિવિલ જજ સીનિયર ડિવિઝને અરજીને ખારિજ કરી હતી. ચૂકાદા સામે જિલ્લા જજ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી. જેના ઉપર આગામી 12 એપ્રિલના રોજ સુનાવણી થવાની છે.
કેસમાં ભગવાન વિશ્વેશ્વરનાથ તરફથી વિજય શંકર રસ્તોગીએ દલીલ કરી હતી કે વર્તમાન વાદમાં વિવાદિત ધાર્મિક સ્થળની સ્થિતિ 15 ઓગષ્ટ 1947ના મંદિરની હતી કે મસ્જિદની હતી તેના નિર્ધારણ માટે પુરાવાની જરુર છે. વિવાદિત સ્થળે વિશ્વનાથ મંદિરનો એક અંશ છે આ એક અંશની ધાર્મિક સ્થિતિનું નિર્ધારણ થઈ શકે તેમ નથી અને જ્ઞાનવાણી પરિસરના ભૌતિક સાક્ષ્યની જરૂર છે. જેને પુરાતત્વ વિભાગ સ્પષ્ટ કરી શકે છે કે માળખાની નીચે મંદિર હતું કે નહી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer