‘A’ બ્લડ ગ્રુપ પણ સર્વદાતા જૂથમાં !

‘A’ બ્લડ ગ્રુપ પણ સર્વદાતા જૂથમાં !
કેન્યાના વૈજ્ઞાનિકોને શોધમાં સફળતા : લોહીની તંગી, મરણાંક ઘટી શકશે
નવી દિલ્હી, તા. 8 : વિશ્વમાં હવે માત્ર ‘ઓ’ બ્લડ ગ્રુપ જ યુનિવર્સલ ડોનર નહીં રહે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ એને પણ યુનિવર્સલ ડોનર બનાવી દીધું છે. આ કારણે હવે હોસ્પિટલોમાં લોહીની તંગીના કારણે ઓછા દર્દીઓના મોત થશે અને વધુને વધુ દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી કરી શકાશે.
માત્ર અમેરિકામાં જ દરરોજ ઈમરજન્સી સર્જરી, શિડ્યુલ્ડ ઓપરેશન અને રૂટિન ટ્રાન્સફ્યુજન માટે 16,500 લિટર લોહીની જરૂર પડે છે. પરંતુ દર્દીને કોઈ પણ ગ્રુપનું લોહી ન ચડાવી શકાય.
સફળ ટ્રાન્સફ્યુજન માટે ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીના લોહીના પ્રકાર સાથે મેચ થાય તે જરૂરી છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યના આંતરડામાં (ગુટ) એવા માઈક્રોબ્સ શોધ્યા છે જે બે પ્રકારના એન્ઝાઈમ કાઢે છે.
આ એન્ઝાઈમની મદદથી વૈજ્ઞાનિકોએ ટાઈપ-એ એટલે કે ‘એ’ બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનરમાં ફેરવી દીધું છે. જો આ પ્રક્રિયા મોટા પાયે સફળ થશે તો તબીબી વિજ્ઞાનમાં મોટી ક્રાંતિ આવશે.
મનુષ્યમાં એ, બી, એબી અને ઓ એમ 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. તેને લાલ રક્ત કોષ (આરબીસી)ની ચારે બાજુ જે સુગર મોલીક્યુલ્સ કણો હોય છે તેના આધારે ઓળખવામાં આવે છે. જો કોઈ મનુષ્યનું બ્લડ ગ્રુપ ‘એ’ હોય અને તેને ‘બી’ બ્લડ ગ્રુપનું લોહી આપવામાં આવે તો આ સુગર મોલીક્યુલ્સ કણ જેને બ્લડ એન્ટિજન કહે છે તે આરબીસી પર હુમલો કરી દે છે. ઈમ્યુન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને ગંભીર પરિસ્થિતિમાં મનુષ્યનું મૃત્યુ થાય છે.
બ્લડ ગ્રુપ ‘ઓ’માં આવા એન્ટિજન ન હોવાના કારણે તે અત્યાર સુધી યુનિવર્સલ ડોનર ગણાતું હતું. સામાન્ય રીતે હોસ્પિટલમાં તેની માંગ સૌથી વધારે રહેતી હોય છે કારણ કે, ઈમરજન્સી કેસમાં પીડિતોનું બ્લડ ગ્રુપ ચેક કરવાનો સમય નથી રહેતો.
આ કારણે સમગ્ર વિશ્વમાં ‘ઓ’ બ્લડ ગ્રુપની હંમેશાં તંગી રહે છે પરંતુ આ નવી શોધના કારણે વૈજ્ઞાનિકો બ્લડ ગ્રુપ એના એન્ટિજન દૂર કરી શકશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer