નક્સલીઓના કબજામાંથી છ દિવસ બાદ કોબ્રા કમાન્ડર મુક્ત

નક્સલીઓના કબજામાંથી છ દિવસ બાદ કોબ્રા કમાન્ડર મુક્ત
- પદ્મશ્રી ધર્મપાલ સૈની અને ગોંડવાના સમાજના અધ્યક્ષે કરી મધ્યસ્થી :
સાત પત્રકારને પણ નક્સલીઓના કબજામાંથી છોડાવ્યા
 
નવી દિલ્હી, તા. 8: બીજાપુરમાં છ દિવસ પહેલા બંધક બનવવામાં આવેલા કોબ્રા જવાન રાકેશ્વરસિંહ મનહાસને નક્સલીઓએ મુક્ત કર્યો છે. સીઆરપીએફએ જવાનના પરત ફરવાની પુષ્ટિ કરી છે. રાકેશ્વરસિંહ મનહાસને છોડાવવા માટે મધ્યસ્થતા ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મશ્રી ધર્મપાલ સૈની, ગેંડવાના સમાજના અધ્યક્ષ તેલમ બોરૈયા સામેલ હતા. સેંકડો ગ્રામજનોની હાજરીમાં રાકેશ્વરસિંહ મનહાસને મુક્ત કરવામાં આવ્યો હતો.
રાકેશ્વરસિંહને મુક્ત કરાયા બાદ બાસાગુડા લઈ જવાશે. આ સમાચારની સીઆરપીએફના ડીજીએ પુષ્ટિ કરી હતી. મુક્ત થયા બાદ જવાનની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. મધ્યસ્થતા કરવા ગયેલી બે સભ્યની ટીમે 7 પત્રકારને પણ નક્સલવાદીઓના કબજામાંથી છોડાવ્યા હતા. નક્સલવાદીઓના કહેવા ઉપર જવાનને છોડાવવા માટે બસ્તરના બીહડમાં વાર્તા દળ સહિત કુલ 11 સભ્યની ટીમ પહોંચી હતી. જવાનને મુક્ત કરવામાં આવતા તેના પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી. રાકેશ્વરસિંહની પત્ની મીનુએ કહ્યું હતું કે પતિની સુરક્ષિત વાપસીની સત્તાવાર જાણકારી મળી છે અને તેમનું સ્વાસ્થ્ય ઠીક છે. અગાઉ સુકમા અને બીજાપુરના સીમાવર્તી વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને રવાના કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં રાકેશ્વરસિંહ પણ સામેલ હતા. આ દરમિયાન અથડામણ થઈ હતી જેમાં 22 જવાનો શહીદ થયા હતા જ્યારે રાકેશ્વરસિંહ લાપતા થયા હતા. બીજા દિવસે રાકેશ્વરસિંહ નક્સલીઓના કબજામાં હોવાની જાણકારી સામે આવી હતી. જેની પુષ્ટિ નક્સલીઓએ મીડિયાકર્મીઓનો સંપર્ક કરીને આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer