કોરોનાની દવા ! ટિકડીની શોધ શરૂ

કોરોનાની દવા ! ટિકડીની શોધ શરૂ
- અમેરિકામાં હવે વૈજ્ઞાનિકોએ ગોળી સ્વરૂપે રસી વિકસાવવા શરૂ કરેલા પ્રયાસ
 
નવીદિલ્હી,તા.8: કોરોના મહામારી સામેની લડતમાં દુનિયા પાસે અત્યારે એકમાત્ર શત્ર રસી છે. દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં ઈન્જેક્શન વાટે રસીનાં ડોઝ આપવામાં આવી રહ્યું છે. જેમાં હવે અમેરિકા એક ડગલું આગળ વધીને કોરોનાથી બચવા માટે દવાની ટિકડીઓ બનાવવાની તૈયારી કરવાં લાગ્યું છે. આ ગોળીઓને અન્ય દવાની માફક જ પાણી સાથે લેવાની રહેશે અને તે કોરોનાથી રક્ષણ પૂરું પાડશે. જો કે હજી આ દવાનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે અને તેમાં સફળતા હાંસલ થાય તો કોરોના સામે વધુ એક શત્ર માણસને મળી જશે.
અમેરિકાનાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનમાં સામેલ ટીમ એલ.એ. લેકર્સનાં સહમાલિક અને દવા સંશોધક ડૉ.પેટ્રિક સૂનશિયોંગ અને અન્ય વૈજ્ઞાનિકોની એક ટીમ કોરોના વિરોધી દવા તૈયાર કરવામાં લાગી ગઈ છે. આ સંશોધકો હાલ એ ચકાસી રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરવામાં આવેલી રસીની તુલનામાં આ દવા બહેતર પરિણામો આપી શકે છે કે નહીં.
ભારતમાં અત્યારે કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. તો અમેરિકામાં ફાઈઝર, મોડર્ના અને જોહ્નસન એન્ડ જોહ્નસનની રસી ઉપયોગમાં છે. આ રસીઓ શરીરમાં કોરોના સામે રોગપ્રતિરોધક શક્તિ વિકસાવે છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, જો ટિકડીનાં સ્વરૂપમાં ખાવાની રસી બની જાય તો તે સસ્તી અને લોકો સુધી પહોંચાડવી આસાન બની જશે. તેનાં સંગ્રહ માટે ઠંડા તાપમાનની આવશ્યકતા પણ નહીં રહે.
કેલિફોર્નિયાનાં એલ.સેગુંડોમાં સૂનશ્યોંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ફોર મેડિસિનની એક સંશોધક ડૉ.તારા સીરીનાં કહેવા અનુસાર સામાન્ય તપામાનમાં રાખી શકાય તેવી ગોળી સ્વરૂપની રસી તૈયાર કરવી એ જીવન બદલી નાખનાર સીમાચિહ્નરૂપી શોધ પુરવાર થશે. અત્યારે આ દવાનું પરીક્ષણ પ્રથમ તબક્કામાં છે. જેનાં ઉપર આ દવાનું પરીક્ષણ થઈ રહ્યું છે તે સ્વયંસેવકોને ચાર ટુકડીમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે અને તેમનાં ઉપર ટિકડીની અસર ચકાસવામાં આવી રહી છે.
-------------
કોરોના તો ઝાંખી, પિકચર અભી બાકી !
ચીનની કૃષિ પ્રયોગશાળામાં કોરોના કરતાં પણ ખતરનાક વાયરસ : ચોખા-કપાસથી ઘટસ્ફોટ
નવી દિલ્હી, તા.8 : કોરોના વાયરસથી આખી દુનિયા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યાં વધુ એક ચિંતાજનક ખબર આવી છે કે કોરોનાથી પણ ખતરનાક વાયરસ ચીનની લેબમાં રહેલા છે. ચીનની વાયરસ લેબ આખી દુનિયા માટે ખતરા સમાન બની છે. કોરોનાની જેમ જો નવો વાયરસ ફેલાયો તો દુનિયામાં ભારે તબાહી મચાવી શકે છે. સંશોધકોની એક ટીમે દાવો કર્યો છે કે ચીનની વુહાન લેબમાં હજુ ઘણાં પ્રકારના અને વધુ ખતરનાક વાયરસ રહેલા છે.વુહાન અને ચીનના અન્ય શહેરોની કૃષિ પ્રયોગશાળાથી મળેલા ચોખા અને કપાસના જીનેટિક ડેટાને આધારે આવો દાવો કરાયો છે. એક વર્ષથી વધુ સમય વિતી ચૂકયો હોવા છતાં કોરોનાથી બચાવા આખી દુનિયા ફાંફા મારી રહી છે    ત્યારે ચીન દુનિયા માટે ભયજનક બન્યુ છે. કારણ કે કૃષિ પ્રયોગશાળામાં મેડિકલ રિસર્ચ સેન્ટર અથવા વાયરોલોજી લેબ જેવી મજબૂત સુરક્ષા હોતી નથી. આરક્ષિવ પ્રીપ્રિંટના સર્વર પર પ્રકાશિત શોધમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે ચીનની કૃષિ પ્રયોગશાળામાં એવા વાયરસ રહેલા છે જે મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ન આવી તો દુનિયા સામે નવા વાયરસનો ખતરો ઉભો થશે. ચીનની કૃષિ પ્રયોગશાળામાં ચોખા અને કપાસના જેનેટિક સિકવન્સનો વર્ષ ર017 થી ર0ર0 વચ્ચેનો ડેટા વુહાન લેબમાંથી મેળવવામાં આવતાં સામે આવ્યુ કે અહીં તો નવા વાયરસોની આખી ફૌજ છે જેમાં માર્સ અને સાર્સ સાથે સંબંધિત વાયરસ પણ સામેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer